રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે મોદીજી આક્રામક, ગુજરાતમાં પેપરલીક મુદ્દે ધૃતરાષ્ટ્ર બની ગયા?

Rajasthan Elections પ્રચાર દરમિયાન વડાપ્રધાને રાજસ્થાનમાં થયેલી પેપરલીકની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો

September 27, 2023

ગુજરાતના (Gujarat) તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) બે ચહેરાઓ જોવા મળ્યા. રાજનીતિમાં બે ચહેરા ઘરાવતા વ્યક્તિઓ ખુબ વધારે છે અને તેમાં આપણા વડાપ્રધાન પણ બાકાત નથી. આપણા પાડોશી રાજ્યમાં રાજસ્થાનમાં (Rajasthan) વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને તેના પ્રચારમાં નેતાઓના વાયદા વચનોની વણજાર છૂટી છે. વડાપ્રધાન મોદી પણ વચનો આપવામાં પાછા પડે તેમ નથી. પરંતુ આ ઘટનાક્રમમાં આપણા વડાપ્રધાનના બે ચહેરા સામે આવ્યા છે.

રાજસ્થાનમાં શું બોલ્યા PM

રાજસ્થાનના ચૂંટણી (Rajasthan Elections) પ્રચાર દરમિયાન વડાપ્રધાને રાજસ્થાનમાં થયેલી પેપરલીકની (Paper leak) ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે રાજસ્થાનમાં ભાજપની (BJP) સરકાર બનવા પર આ પેપરલીક માફીયા સખ્ત કાર્યવાહીનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું, અહીંની કોંગ્રેસ (Congress) સરકાર યુવાનોને તક નહી પણ માત્ર દગો આપી શકે છે. રાજસ્થાનમાં જેટલીવાર પેપરલીક થાય છે દર વખતે રાજ્યને શરમથી ભરી દે છે. અહીંની કોંગ્રેસ સરકાર પેપરલીક માફીયાને સંરક્ષણ આપે છે. હું આજે રાજસ્થાનના યુવાનોને ભરોસો આપું છું કે, રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ આ પેપરલીક માફીયા પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. યુવાનોના ભાવિ સાથે ચેડાં કરનારા કોઈ માફીયાને બક્ષવામાં નહી આવે.

ફટાકડા કરતા પેપર વધુ ફુટ્યા

વડાપ્રધાન મોદીના આ નિવેદન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, ગત રોજ મોદી સાહેબે રાજસ્થાનની જનસભામાં પેપરલીકની ઘટના પર વાત કરી. મોદી સાહેબને કહેવાનું કે રાજસ્થાનનું પાડોશી રાજ્ય ગુજરાત છે અને તમારુ ગૃહ રાજ્ય છે અને તમારા ગૃહરાજ્યમાં દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા તેટલા પેપરફૂટે છે. વર્ષ 2014 થી 2023 સુધીમાં ગુજરાતમાં પ્રાથમિક શાળાથી લઈ કૉલેજ અને સરકારી નોકરીના કુલ 24 પેપરલીકની ઘટનાઓ બની છે.

ઘરમાં ધૃતરાષ્ટ્ર બન્યા PM

ઘરમાં આપણે ધૃતરાષ્ટ્ર બની જઈએ છીએ અને પાડોશી રાજ્યની તેમને ચિંતા થાય છે. રાજસ્થાનના યુવાનો પણ આપણા જ બાળકો છે અને ગુજરાતના યુવાનો પણ આપણા જ છે. જેટલી તમને રાજસ્થાનની ચિંતા છે તેટલી ગુજરાતની પણ ચિંતા હોવી જોઈએ. તમે કહ્યું પેપરલીકેજના માફીયાને સંરક્ષણ આપવાનું કામ સત્તાપક્ષ જ કરી રહ્યું છે. હા અમે તમારી આ વાત સાથે સહમત છીએ. ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે. 2014થી તમારા નામે ચરી ખાતા નેતાઓ છે તમારા નામે ચૂંટાયેલા નેતાઓ છે તેઓ પેપરલીકના કૌભાંડીઓને સંરક્ષણ આપવાનું કામ તમારા જ નેતાઓએ કરેલું છે.

પેપરલીકની ઘટનાનો હિસાબ લ્યો

તમે ગુજરાતના પ્રવાસે છો ત્યારે વિનંતિ કરીએ છીએ કે અત્યાર સુધીમાં પેપરલીકેજ થયાં છે તેમા કેટલી કેટલી કાર્યવાહી થઈ કેટલા લોકો જેલના સળિયા પાછળ છે તેનો હિસાબ પણ તમે લ્યો અને જે લોકોએ પેપર કૌભાંડીઓને છાવરવાનું કામ કર્યું છે તેનો હિસાબ પણ લો, તેની પર પણ કાર્યવાહી કરો. કેમ કે તમને જો રાજસ્થાનના બાળકોની ચિંતા હોય તો ગુજરાતના બાળકોની ચિંતા પણ હોવી જ જોઈએ અને તમને તે ચિંતા હશે જ તે હું માનુ છું.

ગુજરાતના પ્રવાસે છો તો કંઈ એક્શન લો

તમે ગુજરાતના પ્રવાસે છો અમે વિનંતિ કરીએ છીએ કે જે રીતે તમે રાજસ્થાનમાં ગાજી રહ્યાં હતા અને ગુજરાતમાં જે ઘટનાઓ બની હતી તેમાં લાજવાનો બનાવ છે તેમાં કંઈક એક્શન લો, કંઈક કાર્યવાહી કરો. કેમ કે દેશની સૌથી વધારે પેપરલીકની ઘટનાઓ બને છે તેમાં ગુજરાત અગ્રેસર છે અને આ તમારા નામે ચરી ખાતા નેતાઓના કારણે અગ્રેસર છે. આમા કડક કાર્યવાહી થાય તેવી આશા અપેક્ષા.

Read More

Trending Video