Ahmedabad News : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના વ્યક્તિમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો નોંધાયો છે. ક્યારેક કોઈ, રમતા રમતા, કસરત કરતા, લગ્નમાં નાચતા, કે પછી બેઠા બેઠા પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી પણ હાર્ટ એટેકનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખાનપુરમાં રહેતા હર્ષ સંઘવી નામના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.
હર્ષ સંઘવી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત
પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના 29 વર્ષના યુવકનું અચાનક હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ યુવક બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો. અને ગત મંગળવારે રાત્રે તે બસમાં જ હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું.
પરિવાર શોકમાં ગરકાવ
જાણકારી મુજબ આ યુવક પરિણીત હતો અને તેને બે વર્ષની દીકરી પણ છે. યુવકના મોતથી માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. યુવક સાડીઓનો વેપારી હતો હતો. અને તે ઘરેથી કામ કરતો હતો. આ અંગે જ્યારે તેના પિતાને જાણ થઈ ત્યારે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આમ અચાનક યુવકના મોતથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી.