વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ગાઝાની હોસ્પિટલમાં બોમ્બ ધડાકામાં નાગરિકોના જીવ ગુમાવવા પર શોક વ્યક્ત કર્યો હતો.
ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે ભારત પેલેસ્ટિનિયન લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે.
“આ પ્રદેશમાં આતંકવાદ, હિંસા અને બગડતી સુરક્ષા પરિસ્થિતિ પર અમારી ઊંડી ચિંતા શેર કરી. ઇઝરાયલ-પેલેસ્ટાઇન મુદ્દે ભારતની લાંબા સમયથી ચાલતી સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો,” PM મોદીએ પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ સાથે વાત કર્યા પછી કહ્યું.
ઑક્ટોબર 7ના રોજ આતંકવાદી જૂથે ઓચિંતો હુમલો કર્યા પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ સતત વધતો ગયો. તેના જવાબમાં, ઇઝરાયેલે હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી અને ગાઝા પટ્ટીમાં હમાસના ઓપરેટિવ્સ અને તેના ઠેકાણાઓને નિશાન બનાવીને વળતા હવાઈ હુમલા શરૂ કર્યા.
દરમિયાન, ગાઝાની એક હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો, જેમાં સેંકડો નાગરિકોના મોત થયા હોવાના અહેવાલે વિશ્વના નેતાઓએ સખત નિંદા કરી હતી. જ્યારે હમાસે આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયેલી હવાઈ હુમલાના કારણે આ દુ:ખદ વિસ્ફોટ થયો હતો, જ્યારે ઇઝરાયેલી સૈન્યએ આ ઘટનામાં હાથ હોવાનો ઇનકાર કર્યો હતો.
ગાઝા હૉસ્પિટલ પર થયેલા હુમલામાં જાનહાનિ પર આઘાત વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે, “ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. તેમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.”