Weather News : દેશમાં ઓગસ્ટ મહિનામાં વરસાદે છેલ્લા 23 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે ગરમીએ 123 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે ભારતમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં લગભગ 16 ટકા વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 253.9 મીમી વરસાદ નોંધાયો હતો. જે 2001 પછી ઓગસ્ટમાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.
ઓગસ્ટમાં 287.1 મીમી વરસાદ નોંધાયો
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે દેશમાં ઓગસ્ટમાં 287.1 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે સામાન્ય 248.1 mm છે. એકંદરે, ભારતમાં 1 જૂનના રોજ ચોમાસાની સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં 701 મીમીની સામાન્ય સામે 749 મીમી વરસાદ નોંધાયો છે.
ચોમાસામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો
તેમણે એમ પણ કહ્યું કે દેશમાં ચોમાસા દરમિયાન ગરમીએ 123 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. IMDએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ભારતમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 24.29 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 1901 પછી સૌથી વધુ છે.
આ વિસ્તારોમાં વરસાદ ઓછો થયો
IMDના વડાએ જણાવ્યું હતું કે હિમાલયની તળેટી અને ઉત્તરપૂર્વના ઘણા જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે કારણ કે મોટાભાગની નીચા દબાણની સિસ્ટમ તેમની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ ખસી ગઈ છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના કેરળ અને વિદર્ભ પ્રદેશ તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ઓછો વરસાદ થયો છે.
સપ્ટેમ્બર મહિનામાં આ રાજ્યોમાં મુશળધાર વરસાદ પડશે
હવામાન વિભાગે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો : Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો પાંચમો મેડલ… શૂટર રૂબિના ફ્રાન્સિસે બ્રોન્ઝ જીત્યો