Wayanad Landslide : વાયનાડમાં મૃત્યુઆંક વધ્યો, ભૂસ્ખલનથી 63ના મોત, નૌકાદળ અને સેનાના જવાનો બચાવકાર્ય ચાલુ

July 30, 2024

Wayanad Landslide : કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન (Wayanad Landslide) થયું છે. જેમાં 116થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કાર્ય માટે સેનાની સાથે નેવીને પણ તૈનાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન (Wayanad Landslide) થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને કારણે 116થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમ જેમ બચાવ કામગીરી આગળ વધે તેમ તેમ મૃત્યુઆંક વધુ વધી શકે છે. બચાવ કામગીરી માટે નૌકાદળની ટીમ એઝિમાલાથી પહોંચશે. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ લેવામાં આવી છે. મુખ્યમંત્રીએ નેવીની રિવર ક્રોસિંગ ટીમની મદદ માંગી છે. એઝિમાલા નેવલ એકેડમીની નૌકાદળની ટીમ તાત્કાલિક વાયનાડ જવા રવાના થઈ રહી છે.

16 લોકોને હોસ્પિટલમાં દાખલ

કેરળના મુખ્ય સચિવ વી વેણુએ જણાવ્યું હતું કે લગભગ 2-3 વખત ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનથી ઘાયલ 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

250 બચાવકર્મીઓ દ્વારા બચાવ કાર્ય ચાલુ

વાયનાડ ચુરલમાલામાં બચાવ કામગીરીમાં ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો સામેલ છે. એનડીઆરએફની વધારાની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

કેરળના પાંચ જિલ્લામાં એલર્ટ અપાયું

રાજ્ય સરકારે 5 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં કસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ અને મલ્લપુરમનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોOlympic 2024 : મનુ ભાકર અને સરબજોત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો, જે શૂટિંગમાં ભારતનો બીજો મેડલ

Read More

Trending Video