Ahmedabadમાં પાણીથી ફેલાયો રોગચાળો! 700 લોકો એકસાથે બીમાર, સોસાયટીનો કોમન પ્લોટ બન્યો મીની હોસ્પિટલ

June 3, 2026

Ahmedabad News: અમદાવાદના સોલા રોડ વિસ્તારમાં આવેલી આકાંક્ષા સોસાયટીમાં પાણીજન્ય રોગચાળાએ ગંભીર સ્થિતિ સર્જી છે. સોસાયટીના અંદાજે 700 રહેવાસીઓ એકસાથે ગેસ્ટ્રોએન્ટેરિટિસ જેવી તકલીફોથી પીડિત બનતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે સોસાયટીના કોમન પ્લોટમાં જ તાત્કાલિક મેડિકલ કેમ્પ અને મીની હોસ્પિટલ ઉભી કરવી પડી હતી.

કોમન પ્લોટમાં ઉભી કરાઈ મીની હોસ્પિટલ

સોસાયટીમાં દર્દીઓની સંખ્યા સતત વધતા સરકારી અને ખાનગી ડોક્ટરોની ટીમો તાત્કાલિક સારવાર માટે દોડી આવી હતી. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ગ્લુકોઝના ટીપાં ચઢાવવામાં આવ્યા હતા. નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં બેડની અછત સર્જાતા AMC દ્વારા સોસાયટીમાં જ ઇમરજન્સી મેડિકલ સુવિધા ગોઠવવામાં આવી હતી.

ગંદા પાણીથી ફેલાયો ચેપ

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી નળનું પાણી કાદવયુક્ત અને દુર્ગંધયુક્ત આવી રહ્યું હતું. રહેવાસીઓનો આરોપ છે કે AMC દ્વારા ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન JCB મશીનથી મુખ્ય પાણીની પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી ગયું હતું.

ચા પીધા બાદ આખો પરિવાર બીમાર

સોસાયટીના રહેવાસી રતિભાઈએ જણાવ્યું કે બે દિવસથી પાણી ગંદુ આવી રહ્યું હતું. પરિવારના સભ્યોએ તે જ પાણીથી ચા પીધી હતી અને થોડા જ સમયમાં તમામને ઉલ્ટી, ઝાડા અને પેટની ગંભીર તકલીફ શરૂ થઈ ગઈ હતી. આવી સ્થિતિ લગભગ દરેક બ્લોકમાં જોવા મળી રહી છે.

ડોક્ટરોની ચેતવણી

ઘટનાસ્થળે હાજર ડોક્ટરોએ જણાવ્યું કે આ ગંભીર ગેસ્ટ્રોએન્ટેરિટિસનો કેસ છે. પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ અત્યંત ઊંચું હોવાથી બાળકો અને વૃદ્ધોમાં ડિહાઇડ્રેશનનું જોખમ વધી ગયું છે. સમયસર સારવાર ન મળી હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.

AMC સામે ઉઠ્યા સવાલ

આ ઘટનાએ AMCની કામગીરી અને પાણી પુરવઠા વ્યવસ્થાની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રહેવાસીઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેની ખાતરી આપવા જણાવ્યું છે.

આ પણ વાંચો: Bhavnagar: દીપડાએ પિતાની નજર સામે દીકરી પર કર્યો હુમલો, લાશની હાલત જોઈ સૌ ચોંક્યા

Read More

Trending Video