Vinesh Phogat: તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફરેલી ભારતીય રેસલર વિનેશ ફોગાટે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનેશે દાવો કર્યો છે કે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપવા જઈ રહેલી મહિલા રેસલર્સની સુરક્ષા હટાવી દીધી છે. જોકે, દિલ્હી પોલીસે વિનેશ ફોગાટના આરોપોને ફગાવી દીધા છે.
વિનેશ ફોગાટના આરોપો પર દિલ્હી પોલીસે કહ્યું કે, સુરક્ષા પાછી ખેંચવાનો કોઈ આદેશ નથી. જો સુરક્ષા જવાનોના આવવામાં વિલંબ થયો હોય તો તેની તપાસ કરવામાં આવી રહી છે. વિનેશ ફોગાટ ઉપરાંત, ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક સહિત અન્ય ઘણા કુસ્તીબાજોએ ગયા વર્ષે ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા. આ અંગે જંતર-મંતર પર ઘણા દિવસોથી વિરોધ ચાલી રહ્યો હતો. તાજેતરમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપો ઘડ્યા હતા.
યૌન શોષણના આરોપો બાદ દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ FIR નોંધી હતી. પરંતુ બાદમાં સ્થાનિક કોર્ટે તેને જામીન આપી દીધા હતા. જો કે આ વિવાદ વચ્ચે ભાજપે લોકસભા ચૂંટણીમાં બ્રિજ ભૂષણની ટિકિટ રદ કરી હતી અને તેમના પુત્ર કરણ ભૂષણને કૈસરગંજથી ઉમેદવાર બનાવ્યા હતા.
બીજી તરફ, વિનેશ ફોગાટે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ફાઈનલ સુધીનો રસ્તો પણ પૂરો કર્યો હતો. જો કે, ફાઈનલ ઈવેન્ટ પહેલા, તેણીનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જણાયું હતું, જેના પગલે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ કોઈ મેડલ લીધા વગર પેરિસથી પરત ફરી.