Vav Geniben Thakor : બનાસકાંઠામાં કોંગ્રેસના ગઢમાં અત્યારે ગુલાબસિંહનું નામ સામે આવતા ક્યાંક નારાજગીના સૂર તો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ગુલાબસિંહ રાજપુતનું નામ આ બેઠક પર ચર્ચામાં હતું. અંતે આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે અચાનક જ ગુલાબસિંહ રાજપુતનું નામ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું.
ગુલાબસિંહની ઉમેદવારીને લાઇને શું કહ્યું ?
લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની જીત થઇ, અને તેમને જીતાડવા માટે ગુલાબસિંહ રાજપૂતનો ખુબ મોટો હાથ હતો. ત્યારે આજે તેમણે કહ્યું કે, લોકસભામાં મારા માટે સૂત્ર બની ગયું બનાસની બેન ગેનીબેન. બનાસકાંઠાની જનતાએ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો. આ મેદાન કોંગ્રેસ માટે શુકનિયાળ છે અહીંયા 2017, 2022 અને 2024ની ચૂંટણીઓ અહીંથી જ જીત્યા છીએ. આર્થિક સધ્ધર ન હોવા છતાં સર્વે સમાજે મારામાં વિશ્વાસ મુક્યો.
વધુમાં તેમણે કહ્યું કે, ગુલાબસિંહની ટીકીટ કપાઇ હોવા છતાં 2017 માં તેમના પરિવારે મારા માટે મહેનત કરી હતી. ગુલાબસિંહના દાદા હેમાભાઇએ ગામે ગામ ફરી મને જીતાડવા મહેનત કરી હતી. આજે તેઓ નથી તેમનો પૌત્ર આપણા વચ્ચે ચૂંટણી લડવા આવ્યો છે. તો આપણે તેમને જીતાડવા પૂરી મહેનત કરીશું. જે ઉમેદવારની રેસમાં હતા તે તમામ ઉમેદવારો આજે ગુલાબસિંહની પડખે છે,
મારા પ્રતિનિધિ અને આગેવાનો પર મને ભરોષો છે. ઠાકરશી ભાઇએ ટીકીટ માંગી ત્યારે હેમા ભાઇએ ખુલ્લુ સમર્થન કર્યુ હતુ. દિવાળીના કચરા રૂપે કોંગ્રેસમાં રહેલા નાના મોટા ઝઘડા કાઢી નાખજો. મારા કાર્યકાળ દરમ્યાન કોઇ કામ ન થયુ હોય તો બે હાથ જોડી માફી માંગુ છું.
ગેનીબેન ઠાકોરે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
ગેનીબેને ભાજપ પર જાહેર મંચ પરથી આકરા પ્રહાર કરતા કહ્યું કે, જ્યાં 50 લોકો ટીકીટ માંગે અને છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર કરતા નથી અને કોંગ્રેસને સલાહ આપે છે. આ ચૂંટણીથી કોંગ્રેસની સરકાર બનવાની નથી અને ભાજપની સરકાર ઉખડી જવાની નથી. પરંતુ વાવની પેટા ચૂંટણીથી 2027ની ચૂંટણીનુ રણશીંગુ કોંગ્રેસ ફુંકે છે. ભાજપના ચુંટાયેલા ધારાસભ્ય વિધાનસભામાં પોતાનો અવાજ ઉપાડી શકતા નથી. તેમના વિસ્તારનો કોઇ પ્રશ્ન હોય તો કોંગ્રેસના ધારાસભ્ય ને કહી રજુઆત કરાવે છે. અને આવા રબર સ્ટેમ્પ ધારાસભ્યો આપણે જોઇતા નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં દારૂના કન્ટેનરો પર રેડ પાડવાનું કામ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યું છે. તંત્ર અને વહીવટી તંત્ર સામે લડવાનું કામ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યું છે, કોઈ લોભ લાલચ આપે તો વિડિયો બનાવી નાખજો.. ચુંટણી પંચ કાર્યવાહી કરશે. અને જો ના થાય તો કોંગ્રેસ પક્ષ આવા અધિકારીને કોર્ટમાં ઊભો કરવાની તાકાત ધરાવે છે.