Vav by Election : વાવમાં (Vav) પેટાચૂંટણીને હવે આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) સહિત અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પુરજોશમાં ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જે રીતે અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેને જોતા કોંગ્રેસ અને ભાજપની મુશ્કેલીમાં વધારો થતો જણાઈ રહ્યો છે. તેવામાં કોંગ્રેસનો આરોપ છે કે, માવજી પટેલ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે ત્યારે માવજી પટેલે આનો જવાબ આપ્યો છે.
માવજી પટેલે ચૂંટણી લડવાને લઈને કર્યો મોટો ધડાકો
કોંગ્રેસનું કહેવું છે કે, માવજી પટેલ ભાજપની બી ટીમ છે ત્યારે આ મામલે જ્યારે માવજી પટેલને પૂછવામાં આવ્યું ત્યારે માવજી પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ તેમના મન પ્રમાણે કહે છે બાકી અમારે તો પ્રજાનો અવાજ ઉઠાવવો છે.અને પ્રજાને મજબુત કરવી છે પ્રજાનો રુંધાયેલો અવાજ છે તેને મજબુત કરવો છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને અત્યારે આરામ કરે તેવી અમારી કલ્પના છે.
માવજી પટેલે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
ભાભરમાં કાર્યલયના ઉદ્ઘાટનમાં સરસ સહકાર મળ્યો છે જેથી તેમને આ વાવની ચૂંટણી સારી એવી લીડથી જીતવાનો માવજી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વધુમાં માવજી પટેલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેના વિશે જણાવ્યું કે, પાર્ટી પાર્ટીનું કામ કરે અમારા મતદારો લડી રહ્યા છે. અમે સુઈ ગામમાં જે પદયાત્રા કરી ત્યારે હકીકતમાં સુઈ ગામમાં જે સહકાર મળ્યો છે , સુઈ ગામમાં ક્યારેય રેલી નથી નિકળી તે ગામમાં આજે રેલી નિકળી. આજે સહકાર મળ્યો છે કલ્પના બહારનો છે.
ભાજપના નેતાઓના વાવમાં ધામાને લઈને કહી આ વાત
વધુમાં માવજી પટેલે મુખ્યમંત્રી જે ચૌધરી સમાજની વચ્ચે ગયા તેના વિશે જણાવ્યું કે, તે તેમનો વિષય છે. તેમજ વાવમાં જે મંત્રીઓ અને નેતાઓના ધામા છે તે અંગે કહ્યુ કે, પાર્ટીનો આદેશ હોય એટલા માટે તે જાય અને જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ધામા હોય જ છે પરંતુ પ્રજા તેનો ચુકાદો જુદો જ આપતી હોય છે. વધુમાં માવજી પટેલે આ ચૂંટણી પુરી તાકાતથી અને મક્કમતાથી લડવા જણાવ્યું હતુ તેમજ તેમને પ્રજાનો પુરેપુરો સાથ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: Jammu-Kashmir :સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર