Vav By Election: બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ વાવ (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે.ગેનીબેનના (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ગેનીબેનના ખાસ ગણતા ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે ત્યારે બીજી તરફ ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે વાવ બેઠક પર માત્ર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ નહીં હોય અહીં અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે જેમાં વાવના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે વાવનો આ જંગ વધુ રસાકસી ભર્યો બને તેવું લાગી રહ્યુ છે.
વાવ પેટાચૂંટણીમા માવજી પટેલે નોંધાવી અપક્ષમાં દાવેદારી
મળતી માહિતી મુજબ વાવના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષમાં ઉમેદવારી છે. વાવ પેટાચૂંટણીમા માવજી પટેલે ભાજપ અને અપક્ષ બંન્નેમાંથી ફોર્મ ભર્યુ છે. પક્ષે કહ્યું હતું એટલે ફોર્મ ભરવા આવ્યો છું ભૂતકાળમાં પણ મેન્ડેડ બદલાવવામાં આવ્યા છે એટલે મને આશા છે કે, ભાજપ મને મેન્ડેડ આપશે. જો ભાજપ મૅન્ડેટ આપશે તો ભાજપમાંથી ચૂંટણી લડીશ નહીંતર જનતાની પાર્ટી બનીને ચૂંટણી લડીશ. મહત્વનું છે કે, આ ચૂંટણીમાં ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો ભાજપમાં 50 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી ભાજપે સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપતા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ચૂંટણી ટાણે જ ભાજપમાં આ ભડકો ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.
કોણ છે માવજી પટેલ ?
માવજી પટેલ છેલ્લી 7 ટર્મથી બનાસ બેંકના ડિરેક્ટર છે તેમજ તેઓ પટેલ સમાજ પર સારી એવી પકડ પણ ધરાવે છે. તેઓ ધારાસભ્ય 1990 માં જનતા દળમાં હતા. ત્યારે માવજી પટેલની ઉમેદવારીથી વાવ વિધાનસભામાં ત્રિપાખીઓ જંગ થશે. ભાજપના દાવેદાર માવજીભાઈ પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે માવજી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, પક્ષ પાછળથી ઉમેદવાર બદલશે.
વાવ બેઠક પર કોનો રહેશે વટ ?
વાવ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની જંગ સમાન બની ગઈ છે. કારણ કે લોકસભા બેઠક ગુમાવ્યા બાદ ભાજપે હવે વાવ વિધાનસભા બેઠકને જીતવા માટે તમામ એક્શન પ્લાન ઘડી નાખ્યા છે, જ્યારે બીજી તરફ વટ ન જાય તે માટે કોંગ્રેસે પણ જીત માટે મથામણ શરૂ કરી નાખી છે. ત્યારે આ બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ ખેલાવવા જઈ રહ્યો છે જેથી ચૂંટણીનો જંગ વધુ રસાકસી ભર્યો સર્જાય તેવું લાગી રહ્યુ છે ત્યારે જંગમાં કોણ બાજી મારે છે તે હવે જોવું રહ્યું..