સ્ટંટ કરનારાઓ ચેતી જજો! રોડ પર સાપની જેમ બાઇક ચલાવતો યુવક મોતને ભેટ્યો

Vadodara Accident : વડોદરામાં પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવતો સામેથી આવતા કારમાં ભટકાતા મોતને ભેટ્યો હતો.

January 17, 2024

Vadodara Accident :  આજકાલ નું યુવાધન સ્ટંટના રવાંડે ચઢી ગયું છે. સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો સામે આવે છે જેમાં યુવાનો ચાલુ વાહને અલગ અલગ સ્ટંટ કરતા હોય છે. ત્યારે સ્ટંટની આ મજા ક્યારેક સજામાં ફેરવાઈ જતી હોય છે. વડોદરામાથી પણ આવો જ એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવતો સામેથી આવતા કારમાં ભટકાતા મોતને ભેટ્યો હતો.

 ગફલત રીતે બાઈક હંકારતા યુવકનું મોત

પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરા શહેર નજીક આવેલા પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતા કારમાં ભટકાતા હવામાં ફૂટબોલની જેમ ઉછળ્યો હતો અને સ્થળ પર મોતને ભેટ્યો હતો. આ યુવાન કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો તે સમયે ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો હચમચાવી નાંખે તેવો વિડીયો બાઇક ચાલક પાછળ જઇ રહેલા કાર ચાલકે પોતાના મોબાઇલ ફોનમાં કેદ કર્યો હતો. જે હાલ સામે આવ્યો છે જેમાં મોતના લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે. આ દ્રશ્યો હચમચાવી નાખે તેવા છે.

પોલીસમાં ફરિયાદ

આ સમગ્ર ઘટના અંગે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામા આવી છે. જેમાં જણાવવામા આવ્યું છે કે, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલા ચંચળબા નગરમાં અનિલ અરવિંદભાઇ ગાંધી (ઉં.વ.36) આજે વહેલી સવારે પોતાની મોટર સાઇકલ લઇને કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયો હતો. અનિલ ગાંધી દર્શન કરીને પુરપાટ વડોદરા તરફ આવી રહ્યો હતો. પોતાની આગળ ચાલતા વાહનોને ઓવર ટેક કરીને આગળ વધી રહ્યો હતો. કાયાવરોહણ-પોરના સીંગલ રોડ અનિલ સાપની જેમ પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. તેને પોતાની આગળ જતી એક બલેનો કારનો પણ ઓવર ટેક કરીને આગળ નિકળ્યો હતો.

મોતનો લાઈવ વીડિયો આવ્યો સામે

સાપની જેમ પોતાની બાઇક ચલાવીને આગળ નીકળેલા અનિલનો બલેનો કારના ચાલકે વિડીયો ઉતારવાનું શરૂ કર્યો હતો. કાર ચાલકે લગભગ એક કિલો મીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો ઉતાર્યો હતો. કારના ચાલકે બાઇક ચાલક અનિલ ગાંધી રોંગ સાઇડ ઉપર પોતાની બાઇક લઇને કાયાવરોહણ તરફ જતી અલ્ટો કાર સાથે ફાજલપુર ગામના પાટીયા પાસે પ્રચંડ ધડાકા સાથે ભટકાઇને હવામાં ફંગોળાઇ છે અને રોડ ઉપર પટકાતા મોતને ભેટે છે. ત્યાં સુધીનો LIVE VIDEO પોતાના મોબાઇલ ફોનમાં ઉતાર્યો હતો. હાલ આ સમગ્ર મામલે વરણામાં પોલીસે  અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read More