વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી પંજાબથી ડ્રગ્સ લાવીને વેચવામાં આવી રહ્યું હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા SOGએ પંજાબથી ગુજરાતમાં લાવવામાં આવતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગઈ કાલે મોડી રાત્રે વડોદરા SOGએ દશરથ ગામે દરોડો પાડીને 103 ગ્રામ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ સાથે હેરોઇનનો કાળો કારોબાર કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. આ મામલે પૂછપરછ કરતા આરોપી પંજાબના ડ્રગ્સ સપ્લાયર પીલ્લુ પાસેથી હેરોઇનનો જથ્થો લાવતો હોવાનું ખુલ્યું છે.
વડોદરામાં ડ્ર્ગ્સના નેટવર્કનો પર્દાફાશ
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરા SOGએ બાતમી મળી હતી કે , છેલ્લા કેટલાક દિવસથી દશરથ ગામમાં અમુક શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ વધી છે અને અહીં નશાકારક પદાર્થોની હેરાફેરી કરાતી હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામા આવી હતી જેને પગલે શંકાસ્પદ વ્યક્તિઓ પર પોલીસે વોચ રાખી રહી હતી. આ દરમિયાન જ્યારે આરોપી કુલદીપ પંજાબથી ડ્રગ્સ લઈને વડોદરાના સુરમ્ય હાઇટ્સમાં આવેલ સી-103 નંબરના મકાનમાં ગયો ત્યારે SOGએ અહીં દરોડા પાડ્યા હતા.આ દરોડામાં અંદાજિત 100 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેથી SOGએ હેરોઇનના જથ્થા સાથે કુલદીપસિંગ ગુરૂદયાલસિંગ રંધાવા (ઉં.વ.47)ની ધરપકડ કરી હતી.
તપાસમાં થયો ખુલાસો
વડોદરા SOGએ ડ્રગ્સના જથ્થાને જપ્ત કરી ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે ઘણા મોટા ખુલાસા કર્યા છે. આ આરોપીએ સુખરાજ બિરસિંઘ ભટ્ટી સાથે મળીને પંજાબથી ડ્રગ્સ લાવીને વડોદરામાં પોતાના ઘરેથી છૂટક ડ્રગ્સ વેચવાની શરૂઆત કરી હતી. તે ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો .
પોલીસે તપાસ હાથ ધરી
આ મામલે વડોદરા પોલીસે આરોપી ક્યાં નેટવર્ક સાથે સંકળાયેલ છે તથા અત્યાર સુધી કેટલું હેરોઇન કે અન્ય ડ્રગ્સ કોને કોને પહોંચાડ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.આ મામલે પોલીસ તપાસમાં હજુ પણ ઘણા ખુલાસા થઈ શકે છે.