Vadodara Navratri : ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં લોકો માતાજીનું શ્રદ્ધા પૂર્વક પૂજન, અર્ચન કરતા હોય છે. યુવાનોમાં આ તહેવારને લઈને અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા હોય છે. જેમાં યુવાનો ગરબા રમીને તહેવારની ઉજવણી કરતા હોય છે. ગરબા આયોજકો બીજા ધર્મના લોકો ગરબા રમવા ન આવે તેના માટે નવા નવા નિયમો બનાવતા હોય છે. ત્યારે વડોદરાથી એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મેહતાએ તિલક વગર ગરબામાં એન્ટ્રી નહિ મળે તેવું એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ભાજપના ધારાસભ્ય શૈલેષ મેહતા વડોદરામાં નવલખી મેદાનમાં આયોજિત ગરબામાં પહોંચ્યા હતા. ગરબામાં યુવાનોને તિલક કરીને પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પાલિકા પ્રમુખનો ઉધડો લીધો હતો. જાહેર મંચ પરથી પાલિકા પ્રમુખ પર નિશાન સાધતા કહ્યું કે ”પાલિકા પ્રમુખ બીરેનભાઈ ગરબા આયોજક છતાં તિલક નથી કર્યું અને તેમને તિલક કરતા શરમ આવતી હોય તેવું લાગે છે.” ડભોઇના ગરબાથી જ નવરાત્રીમાં નો તિલક નો એન્ટ્રી ચાલુ થઇ હતી. ત્યારે આપણે જ નિયમ બનાવ્યો અને આપણે જ નિયમનું પાલન ન કરીએ તે શરમજનક છે. અને ગરબામાં કોઈ યુવાન તિલક વગર દેખાય તો તેને ઉંચકીને બહાર ફેંકો તેવું કહ્યું હતું.
ધારાસભ્ય શૈલેષ મેહતાને બધા સમાજના લોકોએ મત આપ્યા છે. જયારે આપણે બધા ધર્મના લોકોના સન્માનની વાત કરતા હોય ત્યારે તિલક વગર પ્રવેશ નહિ તે અયોગ્ય લાગે છે. અને નવરાત્રીમાં ગરબા એ ઉત્સાહનો વિષય છે. તેમાં રાજકારણ ભેળવવું ન જોઈએ. ત્યારે હવે જોવાનું રહે છે કે આ નિવેદનથી કોઈ નવો વિવાદ ઉત્પન્ન થશે કે શું ?