Vadodara: વડોદરા (Vadodara) માં સહિત દેશભરમાં રંગેચંગે ગણેશજીનું વિસર્જન ગતરોજ કરવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં આ વિસર્જન આજ સવાર સુધી ચાલ્યું હતું. ત્યારે હરણી બોટકાંડના સાક્ષી બનેલા વડોદરામાં નેતાઓ કોઇ પણ પ્રકારના લાઇફ જેકેટ વગર ગણેશજીના વિસર્જન માટે કૃત્રિમ તળાવની મધ્યમાં પહોંચી ગયા હોવાની તસ્વીરો-વીડિયો હાલ સપાટી પર આવી રહ્યા છે. સામાન્ય લોકો માટે તરાપામાં જઇને વિસર્જન કરવા પર પ્રતિબંધ હતો, ત્યારે આ નિયમ માત્ર લોકોને જ લાગુ પડતો હોય તેમ લાગી રહ્યું છે. કારણકે નેતાઓ દ્વારા તો કોઇ પણ સેફ્ટી જેકેટ પહેર્યા વગર જ તરાપામાં વિસર્જન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આમ, ગણેશજીના વિસર્જનમાં લોકો અને નેતાઓ માટે નિયમોના સત્તાધીશોના કાટલા અલગ અલગ હોવાની શહેરભરમાં ચર્ચા છે.
શું ભાજપના નેતાઓને કોઈ નિયમ લાગુ નથી પડતા ?
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં જાન્યુઆરી – 2024 માં હરણી બોટકાંટ સર્જાયો હતો. ત્યાર બાદથી લઇને આજદિન સુધી શહેરમાં વિવિધ વોટર એક્ટીવીટી સહિતના પ્રવૃત્તિઓ પર રોક લગાડવામાં આવી છે. હરણી બોડકાંડ બાદ રાજ્યના જળાશયોમાં જવાના નિયમોને ચુસ્ત બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે ગતરોજ વડોદરા સહિત દેશભરમાં 10 દિવસનું આતિથ્ય માણીને ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન માટે સામાન્ય નાગરીકને પાલિકાના કૃત્રિમ તળાવમાં તરાપામાં બેસીને જવાની મનાઇ હતી. આ કાર્ય પાલિકા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અનુભવી તરવૈયાઓ તથા તેમની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું હતું. પરંતુ આ નિયમ માત્ર સામાન્ય લોકો પુરતો જ સિમીત હતો. હાલ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ અને ભાજપના નેતાઓ માટે આ નિયમ નહીં હોવાનું સામે આવ્યું છે.
આ નેતાઓએ સેફ્ટી જેકેટ પહેર્યા વગર તળાવની મધ્યમાં જઇને ગણેશજીનું વિસર્જન કર્યું
હાલ જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તેમા જોઈ શકાય છે કે, સાંસદ ડો. હેમાંગ જોશી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ભરત ડાંગર શહેરના ગોરવા વિસ્તારના કૃત્રિમ તળાવમાં ગણેશજીના વિસર્જન માટે ગયા હતા. ત્યાં કોઇ પણ પ્રકારના સેફ્ટી જેકેટ પહેર્યા વગર તેઓએ તરાપામાં બેસીને તળાવની મધ્યમાં જઇને ગણેશજીનું વિસર્જન કર્યું હતું. આવી સવલતો માત્ર નેતાઓને જ મળી હતી, સામાન્ય માણસે તમામ નિયમોનું પાલન કરવું જરૂરી હતું. આ ઘટનાના ફોટો-વીડિયો સપાટી પર આવ્યા બાદ લોકોમાં તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકોનું કહેવું છે કે, ગણેશજીના વિસર્જનમાં લોકો અને નેતાઓ માટે નિયમોના સત્તાધીશોના કાટલા અલગ અલગ છે, જે આ ઘટના પરથી સાબિત થયું છે.જો કે નેતાઓને નિયમોનું ઉલ્લંઘન કરવુ ભારે પડી શકે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? ભાજપના નેતાઓ પોતાને નિયમો લાગુ ના પડતા હોય તેમ કામ કરી રહ્યા છે પરંતુ આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બનતા હોય છે.
આ પણ વાંચો : Junagadh: જવાહર ચાવડા હવે આર-પારના મૂડમાં ! વધુ એક લેટર બોમ્બ વાયરલ થતા ભાજપમાં ખળભળાટ, કર્યો આ મોટો દાવો