Vadodara : છેલ્લા કેટલાક સમયથી ભાજપની અંદર ભારે ખેંચતાણ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, જેમાં પક્ષ તરફથી કોઈ પણ નિર્ણય જાહેર થયો હોય તે નિર્ણયને તમારે કંઈપણ બોલ્યા વગર સ્વીકાર કરવો પડે છે. ત્યારે ઘણા સમયથી પરિસ્થિતિ બદલાય હોય તેવું લાગી રહ્યું છે. હવે નેતાઓ પક્ષ વિરુદ્ધ ખુલીને બહાર આવી રહ્યાં છે. હવે પક્ષના નેતાઓ જાહેરમાં પક્ષ વિરુદ્ધ બોલતા થયા છે. પહેલા સંગઠન માંથી જે વ્યક્તિને ચૂંટણી માટે મેન્ડેટ આપ્યો તેને સ્વીકારવો પડતો, પણ હવે પક્ષના નેતાઓ જ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. જેમાં વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે જે વ્યક્તિને ચૂંટણી માટે મેન્ડેટ આપ્યો હતો, તેના વિરુદ્ધ ભાજપના નેતાએ ઉમેદવારી નોંધાવી વિજય મેળવ્યો હતો.
વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના નેતાઓ વચ્ચે જ ભારે ખેંચતાણ ચાલી હતી. સહકારી સંઘના પ્રમુખ તરીકે પ્રવિણ પટેલ 3 દાયકાથી હતા. ત્યારે આ વખતે ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રવિણ પટેલની જગ્યાએ મુકેશ પટેલને મેન્ડેટ આપ્યો હતો. અને ઉપપ્રમુખ માટે ચંદ્રકાન્ત પટેલને ભાજપ તરફથી મેન્ડેટ આપ્યો હતો. ત્યારે ભાજપના અગ્રણીઓએ પક્ષ વિરુદ્ધ જઈને પ્રમુખ પદ માટે પ્રવિણ પટેલ અને ઉપપ્રમુખ માટે કૌશિક પટેલે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભારે રસાકસી વચ્ચે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં બોર્ડના 19 મેમ્બરોએ મતદાન કર્યું હતું. ભાજપે મેન્ડેટ આપેલ તે મુકેશ પટેલને 6 મત મળ્યા હતા. અને 3 દાયકાથી સહકારી સંસ્થામાં રાજ કરનાર પ્રવીણ પટેલને 13 મત મળ્યા હતા. અને ઉપપ્રમુખ માટે ભાજપના ઉમેદવાર ચંદ્રકાન્ત પટેલ ને 6 મત મળ્યા અને બળવાખોર ઉમેદવાર કૌશિક પટેલને 13 મત મળ્યા હતા. અને ભાજપ ઉમેવાર વિરુદ્ધ બંને ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.
ભાજપની અંદર જ નેતાઓ હવે ખુલ્લેઆમ બળવો કરી રહ્યા છે. કેટલાક સમયથી ઢગલાબંધ એવા કિસ્સા સામે આવ્યા છે. જેમાંનો જ એક થોડા સમય પેહલા જ ભાજપના કદાવર નેતા જયેશ રાદડિયાએ પણ સહકારી સંસ્થામાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ બળવો કર્યો હતો. હવે પક્ષ વિરુદ્ધ બળવા વધી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ આ બળવાખોરો વિરુદ્ધ શું કાર્યવાહી કરશે ? અને આ બળવાખોરોથી શું ભવિષ્યમાં ભાજપમાં ભંગાણ થશે ?