Vadodara Flood : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી ઘણા બધા શહેરોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા, ત્યારે પૂરના પાણીથી સૌથી વધુ નુકસાન વડોદરા શહેરને થયું હતું. વડોદરા શહેરમાં પૂરના પાણીથી લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ તણાઈ ગઈ હતી. સાથે જ લોકોને 2 થી 3 દિવસ ભૂખ્યા રેહવું પડ્યું હતું. શહેરમાં લોકોના ઘર અને વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી સ્થાનિક લોકોમાં નેતાઓ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય કે, ધારાસભ્ય મનીષા વકીલ, શહેરના મેયરને પણ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે સ્થાનિક નેતાઓ પ્રત્યે લોકોમાં વધુ એક રોષની ઘટના સામે આવી છે. વડોદરા શહેરની એક સોસાયટીના ગણેશ પંડાલમાં ભાજપના કોર્પોરેટર ની પ્રવેશબંધીના પોસ્ટર જોવા મળી રહયાં છે.
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ પછી લોકોનું જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે, અને સ્થાનિક લોકો અત્યારે ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહયા છે. ત્યારે શહેરની બધી સોસાયટીમાં ગણેશ પંડાલો સ્થાપવામાં આવ્યા છે. કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીશો કોર્પોરેટોરનો વિરોધ કરી રહ્યા છે. વિશ્વકુંજ સોસાયટીના ગણેશ પંડાલમાં ભાજપના કોર્પોરેટોરની પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે.
આ મામલે સોસાયટીના રહીશોએ ઠાલવ્યો રોષ
આ મામલે સોસાયટીના લોકોએ કહ્યું કે, ”અમારી સોસાયટીમાં બાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે વૉર્ડ નંબર-3ના કોર્પોરેટર રૂપલબેન અને રાજેશભાઈ શાહ મદદ કરવા માટે પહોંચ્યા નહોતા. પૂરના પાણીના સમયે લોકોને જમવાનું તો નહિ પણ દૂધ અને પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપવા માટે આવ્યા નહોતા. અને સ્થાનિક નેતાઓ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ પૂર કુદરતી પૂર નહોતું પણ માનવસર્જિત પૂર હતું. વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર દબાણ થવાથી નદીનો રસ્તો સાંકડો થઇ ગયો છે. એટલે નદીના પાણી શહેરમાં ઘુસી ગયા હતા. મુશ્કેલીના સમયે ધારાસભ્યો ને સાંસદો તો મદદ માટે ન આવ્યા પણ કોર્પોરેટરો પણ મદદ કરવા ન આવ્યા, તેટલા માટે કોર્પોરેટરની પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા છે.
આ પણ વાંચો : MonkeyPox Case : દેશમાં મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો, દર્દીને હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યો