Vadodara Flood : વડોદરામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. લોકોના ઘર અને ધંધા રોજગાર કરતા લોકોની દુકાનો પાણીમાં ડૂબી ગઈ હતી. સાથે જ રોડ ઉપર લારી ચલાવતા લોકોનો સામાન પાણીમાં તણાઈ ગયો હતો. ત્યારે પૂરના લીધે લોકોના ઘર, દુકાનો અને વેપાર ધંધાને ભારે નુકસાન થયું હતું. અસરગ્રસ્તોને પુન:ર્વસનમાં મદદ થાય તેમજ વેપાર-ધંધા ઝડપથી ચાલુ થાય તેના માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી લોકોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સરકારે આજે વડોદરામાં પૂરની ઘટનાને 15 દિવસથી વધુનો સમય વીતી ગયા પછી આ જાહેરાત કરી છે. સાથે જ આજે વડોદરામાં કોંગ્રેસે જનઆક્રોશ રેલી પણ કાઢે તે પહેલા જ સરકારે આ જાહેરાત કરી છે.
સરકારે પૂર પીડિતો માટે જાહેર કર્યું પેકેજ
ગુજરાત સરકારે આજે સહાય ની જાહેરાત કરી છે . જેમાં આ પેકેજ અંતર્ગત, લારી/રેકડી ધારકને ઉચ્ચક 5,000 ની રોકડ સહાય. 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000 ની રોકડ સહાય. 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક 40,000 ની રોકડ સહાય. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક 85,000 રોકડ સહાય. માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7% ના દરે 5 લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પગાર રાહત ફંડમાં જમા કરાવશે
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને પોતાના સહિતના મત્રીમંડળના સભ્યોનો એક મહિનાનો પગાર પૂર રાહત ફંડમાં જમા કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર પૂર રાહત ફંડમાં આપશે. CM પૂર રાહત નિધિમાં પગાર જમા કરાવશે. અધિકારીઓને પણ પૂરરાહત નિધિમાં સહાય કરવા CMનો આદેશ.
સરકારે જાહેર કરેલી સહાય મામલે અમિત ચાવડાએ શું કહ્યું ?
આજે વડોદરામાં કોંગ્રેસે જનઆક્રોશ રેલી કાઢી છે. જે પહેલા જ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પૂર પીડિતો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેને લઈને હવે કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, અમારે અમારા ટેક્સના પૈસામાંથી મદદ જોઈએ છે. જે અમારા હક્કનું છે. અમારે કોઈની ભીખ જોઈતી નથી. જ્યાં સુધી વડોદરાવાસીઓને તેમનો હક્ક નહિ મળે ત્યાં સુધી અમે ન્યાય માટે લડતા રહીશું. ન માત્ર ગુજરાતના પરંતુ કોંગ્રેસના હાઇકમાન્ડ પણ વડોદરાવાસીઓ સાથે છે.
આ પણ વાંચો : Sitaram Yechury : CPM નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા