Vadodara Flood : ગુજરાતમાં જયારે કેટલાયે દિવસ અવિરત વરસાદ વરસ્યો, ત્યારે વડોદરા માત્ર એક જ દિવસના ધોધમાર વરસાદથી પાણી પાણી થઇ ગયું. આ વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી ઘુસી ગયું અને શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરામાં તંત્રના પાપે આ પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો. જનતા બિચારી ઘરોમાં ખાધા પીધા વગર બેઠી રહી, એક તરફ તેમની ઘર વખરી પણ પલળી ગઈ હતી. અને બીજી તરફ સાહેબો મિટિંગો કરવામાં વ્યસ્ત હતા. ત્યારે આ વડોદરાવાસીઓ ભૂખ્યા હતા અને તેમના માટે તૈયાર થયેલા ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલો અત્યારે સર્કિટ હાઉસમાં પડી રહી. ફૂડ પેકેટ્સ સડતા રહ્યા અને લોકો ભૂખથી ટળવળતા રહ્યા. આ વાતનો ખુલાસો આજે વડોદરા યુથ કોંગ્રેસના પવન ગુપ્તાએ કર્યો છે.
વડોદરામાં જયારે વિશ્વામિત્રીના પાણી ઘુસી ગયા ત્યારે શહેરમાં પૂર આવ્યું. અને આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત માટે પાણીની બોટલ અને ચવાણું લોકો સુઘી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે લોકો સુધી પહોંચી ન હતી. જેને લઈને આજે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ પાડવામાં આવી હતી અને સર્કિટ હાઉસમાં અસંખ્ય પાણીની બોટલ અને ચવાણાના પેકેટો જોવા મળ્યા હતા. જ્યારે તેમણે રેડ કરી હતી ત્યારે અધિકારીઓ દ્વારા આ બધી વસ્તુઓ ત્યાંથી હટાવી લેવા માટેની કાર્યવાહી ચાલતી હતી. પરંતુ અધિકારીને પણ નથી ખબર કે આ વસ્તુ કોની માટે સરકારે વ્યવસ્થા કરી છે. ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી. અને સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યાં સુધી અધિકારી આ વિશે પૂરતો જવાબ નહીં આપે અને અધિકારી રાજીનામું નહીં આપે ત્યાં સુધી હું આ જગ્યા પરથી નહીં જાઉં તેવું યુથ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.
શરમ કરો વડોદરા તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ. આ જનતાના પૈસાથી લીધેલ ફૂડ પેકેટ પણ તમે લોકો ત્યાં ન પહોંચાડી શક્યા. પ્રજાના પૈસે પેટ ભરવાનું બંધ કરો. ઓફિસમાં બેસી ખુરશીઓ તોડવાનું બંધ કરો. પોતાના બાળકોના તો પેટ ભરી દીધા પરંતુ શું તમને એ માસુમ બાળકોના મોઢા પણ આડા ન આવ્યા ? જે માસુમો પોતાના ઘરમાં ખાધા પીધા વગર પુરાયેલા હતા, એ માબાપ પર શું વીતી હશે જે પોતાના બાળકો માટે ભોજન અને પાણીની પણ વ્યવસ્થા ના કરી શક્યા. હું સવાલ આ વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરને પૂછવા માંગુ છું કે સાહેબ જયારે તમારી જવાબદારી નિભાવવાનો સમય આવ્યો ત્યારે તમે કેમ મીટીંગોમાં વ્યસ્ત રહ્યા. કેમ તમારી જવાબદારી માટે મેદાને ન આવ્યા ? કેટલાયે મંત્રીઓ ત્યાં પહોંચ્યા પણ કોઈને આ વાતનું ધ્યાન ગયું નહિ. ત્યારે જોવાનું રહ્યું કે હવે પ્રજા આ નેતાઓને ચૂંટણીમાં કેવો જવાબ આપે છે.
આ પણ વાંચો : Gujarat Dam Overflow : ગુજરાતમાં ભારે વરસાદથી ચોતરફ પાણી જ પાણી, 55% થી વધુ જળાશયો ભરાઈ ગયા