Vadodara Demolition : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં પૂરના પાણી ભરાવાને લઈને અનેક પ્રશ્નો તંત્ર સામે ઉભા થયા. વડોદરા તંત્રનો ભ્રષ્ટાચાર પૂરના પાણીને કારણે છતો થયો. વિશ્વામિત્રી નદીની આસપાસ ગેરકાયદેસર બાંધકામ બ્યુટીફિકેશનના નામે ઉભા કરી દેવામાં આવ્યા. હવે રહી રહીને તંત્રને આ મામલે ભાન થયું અને કેટલીક જગ્યાઓ 72 કલાકમાં ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી.
આજે આ મામલે ડિમોલિશન કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેને લઈને હવે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અગોરા મોલ પહોંચી હતી. આ શ્રી બાલાજી ગ્રુપના અગોરા મોલ ખાતે 3 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામા બનાવેલું 3 માળનું ક્લબ હાઉસનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ક્લબ હાઉસ દૂર કરવાથી 3 હજાર સ્કવેરફુટથી વધુની જગ્યા ખુલ્લી થશે. આજે સવારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 JCB, અધિકારીઓ સહિત 25નો સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે. અગોરા મોલ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદે ઉભા કરવામાં આવેલા ક્લબ હાઉસને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ દબાણ હટાવવાની કામગીરી જોવા માટે આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. આસ્પાસના લોકોએ પણ કહ્યું કે વિશ્વામિત્રી નદીની આસપાસના જેટલા પણ દબાણો છે તે દૂર કરવા જોઈએ. જેના કારણે ફરી આ પૂરની ઘટનાઓ ના બને. સાથે જ શહેરના નિઝામપુરામાં ભુખી કાંસ ઉપરના દબાણો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 વર્ષ પહેલા શહેરને સ્માર્ટ સીટી બનાવવાના ઇરાદે ત્યાંથી પીપીપી મોડેલ અંતર્ગત ઝુંપડપટ્ટી દૂર કરી અને આ મોલ બનાવવામાં આવ્યો હતો.