હાલમાં જ ખાનગી યુનિવર્સીટીના સંચાલને પોતે PMO અધિકારી હોવાનું જણાવી લોકોને છેતરનાર મયંક તિવારી સામે CBI ફરિયાદ થઈ છે. આજે વડોદરા સ્થિત તેના નિવાસ સ્થાને CBI ની ટીમ તપાસ કરવા આવી પહોંચી છે. CBI ની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
CBI એ કેસ નોંધ્યો
CBI એ Mayank Tiwari નું વધુ એક કારસ્તાન ઝડપ્યું છે. તેણે પોતે PMO અધિકારી હોવાનું જણાવીને વડોદરાની ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલના MD ડૉ. અગ્રવાલને અન્ય એક હોસ્પિટલ સાથે ચાલતા રૂ. 16.43 કરોડના વિવાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી આપી હતી. CBI એ આ મુદ્દે તેની સામે કેસ નોંધ્યો છે. ફરિયાદ પછી CBI ફરીથી આ મહાઠગના કેસમાં એક્ટિવ બની છે અને આજે મહાઠગ મયંક તિવારીના નિવાસસ્થાને CBI ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નકલી PMO ના કારસ્તાન
મયંક તિવારીએ થોડા મહિના પહેલા PMO માં ડાયરેક્ટર ઓફ સ્ટ્રેટેજિક એડવાઈઝર તરીકેની ખોટી ઓળખ આપીને વડોદરાની નિઝામપુરા સ્થિત ન્યૂ ઈરા સ્કૂલમાં ઓળખીતાઓના બાળકોના એડમિશનો કરાવ્યા હતા. મયંક તિવારી PMO માં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પણ પોતે ત્યાં નોકરી કરતો હોવાનું જણાવી લોકોને છેતર્યા હતા. તેણે પોતાના સોશિયલ મીડિયામાં અશોક સ્તંભનો લોગો અને PM ઓફિસ લખ્યું હતું.