US: અમેરિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રેસમાં પાછળ પડી રહ્યા છે. ફિલાડેલ્ફિયામાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ટ્રમ્પ પર વર્ચસ્વ ધરાવતા દેખાયા હતા. ટ્રમ્પને ડિબેટમાં પોતાના વિચારો વ્યક્ત કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ચર્ચા બાદના સર્વેમાં પણ ટ્રમ્પ પાછળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જે બાદ સોમવારે પહેલીવાર ટ્રમ્પ પોતાની હારની સંભાવનાને સ્વીકારતા જોવા મળ્યા હતા.
ટ્રમ્પે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તેઓ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જશે તો તેઓ 2028માં ફરીથી ચૂંટણી નહીં લડે. આ પહેલીવાર છે જ્યારે ટ્રમ્પે ચૂંટણીના રાજકારણમાં તેમના ભવિષ્ય વિશે વાત કરી છે. તમને જણાવી દઈએ કે, જ્યાં સુધી રાષ્ટ્રપતિ જો બાઈડન ડેમોક્રેટિક પાર્ટી વતી ચૂંટણી મેદાનમાં હતા, ટ્રમ્પે તેમની ઉંમરને લઈને તેમના પર ઘણા પ્રહારો કર્યા હતા. 2028 માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ 82 વર્ષના થશે. જે જો બાઈડનની તાજેતરની ઉંમર કરતા એક વર્ષ વધુ છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પ ઈમોશનલ બનતા જોવા મળ્યા છે. જે તેમના જૂના સ્વભાવથી બિલકુલ અલગ છે.
પ્રથમ વખત હારની શક્યતા સ્વીકારી
જ્યારે આગામી ચૂંટણીમાં લડવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું, “ના, હું નહીં, મને લાગે છે કે આ મારી છેલ્લી ચૂંટણી હશે.” ટ્રમ્પનો આ જવાબ એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ટ્રમ્પ સમગ્ર ચૂંટણી દરમિયાન પોતાની જીતનો દાવો કરતા રહ્યા છે અને તેમણે ક્યારેય હારની શક્યતા સ્વીકારી નથી. તેઓ હંમેશા કહે છે કે ચૂંટણીમાં ગોટાળા થાય તો જ તેમની હાર થઈ શકે છે. ટ્રમ્પે તેમની 2020 ની હાર પણ સ્વીકારી ન હતી અને કહ્યું હતું કે પરિણામોમાં છેતરપિંડી હતી અને હવે 2024 માં પણ તે જ વલણનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પ ઈમોશનલ કાર્ડ રમી રહ્યા છે!
ટ્રમ્પની ટિપ્પણીઓએ અમેરિકન લોકોનો મૂડ પકડી લીધો હોય તેવું લાગે છે; તેઓને એવું લાગવા માંડ્યું છે કે તેમના જમણેરી વિચારો અને નિવેદનોની અમેરિકન લોકો પર કોઈ અસર નથી થઈ રહી. એટલા માટે હવે ટ્રમ્પ તેમની છેલ્લી દાવ રમી રહ્યા છે. જેમાં તેઓ જનતાને ભાવુક બનાવી રહ્યા છે અને તેમના સમર્થનની આશા રાખી રહ્યા છે.
ટ્રમ્પ એ પણ જાણતા થયા છે કે તેમના દ્વારા રમાયેલ વય કાર્ડ તેમના માટે એક મુદ્દો બની રહ્યું છે, ખાસ કરીને જ્યારે તેમની સામે કમલા હેરિસ જેવી યુવા ઉમેદવાર હોય. આ મુદ્દો 2028ની ચૂંટણીમાં મોટું સ્વરૂપ લઈ શકે છે, એટલા માટે ટ્રમ્પ ઈમોશનલ કાર્ડ રમી રહ્યા છે.
ભારતમાં નેતાઓ ઈમોશનલ કાર્ડ રમી રહ્યા છે!
લોકોને ભાવુક બનાવીને મત મેળવવો એ ભારતીય રાજનીતિમાં નવી વાત નથી, તાજેતરમાં જ જેલમાંથી બહાર આવેલા કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે 5માંથી 4 વર્ષ પૂરા કર્યા બાદ ખૂબ જ ભાવુક રીતે રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે, “આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી મારી લિટમસ ટેસ્ટ છે. જો તમને લાગતું હોય કે અમે કામ કર્યું છે અને કેજરીવાલ ઈમાનદાર છે તો મને જ મત આપો. કેજરીવાલે દિલ્હીની જનતાને કહ્યું કે મારી ઈમાનદારીનો નિર્ણય જનતાની અદાલતમાં થશે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. હું 77 વર્ષનો છું. આમ છતાં તેમને મધ્યપ્રદેશની રાજગઢ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો અને જનતાએ ફરી એકવાર ભાજપના ઉમેદવાર રોડમલ નગર પર વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો: America: માનવતાની સફળતા સામૂહિક શક્તિમાં છે, યુદ્ધના મેદાનમાં નહીં – PM મોદી