Donald Trumpની સુરક્ષામાં ચૂક કે કાવતરું! અમેરિકી સીક્રેટ સર્વિસની પ્રમુખે આપ્યું રાજીનામું

July 23, 2024

Attack On Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને સિક્રેટ સર્વિસ રોકી શકી નથી. હવે સિક્રેટ સર્વિસના ડિરેક્ટર કિમ્બર્લી ચીટલે આ અંગે રાજીનામું આપી દીધું છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ ચીટલે કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું કે તેણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. યુએસ સિક્રેટ સર્વિસની જવાબદારી વર્તમાન રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિઓની સુરક્ષા કરવાની છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને રોકવામાં સક્ષમ ન હોવાથી સિક્રેટ સર્વિસની ટીકા થઈ હતી. જે દિવસે ટ્રમ્પ પર હુમલો થયો તે જ દિવસે સોશિયલ મીડિયા પર કિમ્બરલીના રાજીનામાની માંગ ઉઠી હતી.

સોમવારે સંસદમાં તેમની રજૂઆત બાદ તેમનું રાજીનામું આવ્યું હતું. હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ તંગ અને વિવાદાસ્પદ સુનાવણીના એક દિવસ પછી તેમણે તેમનું પદ છોડી દીધું. ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી બંનેના સાંસદો સુરક્ષામાં ખામીઓને લઈને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન કિમ્બર્લી ચીટલે કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ દાયકાઓમાં એજન્સીની સૌથી મોટી ભૂલ હતી. તેમણે સ્વીકાર્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ 1981 માં તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની ગોળીબાર પછીની ‘સૌથી ગંભીર’ સુરક્ષા ખામી હતી.

ભૂલની જવાબદારી લીધી
કિમ્બર્લી ચીટલે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, ‘હું સુરક્ષામાં ખામીની સંપૂર્ણ જવાબદારી લઉં છું. તાજેતરની ઘટનાઓને જોતાં, ભારે હૃદયથી મેં મારા ડિરેક્ટરપદેથી રાજીનામું આપવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. અગાઉ સુનાવણી દરમિયાન પણ તેણે કહ્યું હતું કે હુમલા દરમિયાન થયેલી ભૂલની સંપૂર્ણ જવાબદારી તે લે છે. એક રેલી દરમિયાન 20 વર્ષના યુવકે ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રમ્પને તેમના જમણા કાનમાં ગોળી વાગી હતી.

રાજીનામાની માંગ કરવામાં આવી હતી
સુનાવણી દરમિયાન, ધારાસભ્યોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે બંદૂકધારી ટ્રમ્પની આટલી નજીક કેવી રીતે આવ્યો. ગૃહ પ્રધાન અલેજાન્ડ્રો મેયોર્કસે આ ઘટનાને “ભૂલ” ગણાવી હતી, જ્યારે ઘણા ધારાશાસ્ત્રીઓએ ચીટલને રાજીનામું આપવા અથવા રાષ્ટ્રપતિ જો બિડેનને તેમને બરતરફ કરવાની હાકલ કરી હતી. ચીટલે ઓગસ્ટ 2022 થી સિક્રેટ સર્વિસના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. ટ્રમ્પ પર હુમલા બાદ અમેરિકન અબજોપતિ એલોન મસ્કે ચીટલના રાજીનામાની માંગ કરી હતી.

Read More

Trending Video