US Midterm Elections: અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સત્તાધારી રિપબ્લિકન પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અમેરિકી સંસદના બંને ગૃહો પર વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીએ નિયંત્રણ મેળવી લેતાં દેશના રાજકારણમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. ટ્રમ્પની આ આંચકાજનક હાર બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આક્રમક અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. ઓબામાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિસ્તૃત પોસ્ટ લખીને ટ્રમ્પની ભાગલાવાદી રાજનીતિ પર પ્રહારો કર્યા છે, જ્યારે કમલા હેરિસે એક જાહેર મંચ પરથી ટ્રમ્પની હાર પર સીધો કટાક્ષ કરી મજાક ઉડાવી છે.
જનતાએ એકતા અને વાસ્તવિક ઉકેલની રાજનીતિ પસંદ કરી: બરાક ઓબામા
ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરતાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, અમેરિકન મતદારોએ આ વખતે ખૂબ જ સ્પષ્ટ અને મોટો સંદેશ આપ્યો છે. જનતા હવે એવી રાજનીતિ ઈચ્છે છે જે લોકોને જાતિ કે વિચારધારાના નામે વહેંચવાને બદલે એક તાંતણે બાંધે. દેશવાસીઓ હવે એવા નેતાઓની શોધમાં છે જે સામાન્ય નાગરિકો સામે ઊભા થયેલા આર્થિક અને સામાજિક પડકારોનો માત્ર પોકળ દાવા કરવાને બદલે નક્કર અને કાયમી ઉકેલ લાવી શકે.
ઓબામાએ ઉમેર્યું હતું કે, આ પરિણામો એટલા માટે શક્ય બન્યા છે કારણ કે ડેમોક્રેટિક પાર્ટી તરફથી દેશના દરેક ખૂણેથી શ્રેષ્ઠ અને લોકપ્રિય ઉમેદવારો મેદાનમાં ઊતર્યા હતા. જ્યાં જીતની આશા નહિવત માનવામાં આવતી હતી તેવા રિપબ્લિકન ગઢમાં પણ પક્ષના ઉમેદવારોએ ઐતિહાસિક લડત આપી વિજય મેળવ્યો છે. આ તમામ ઉમેદવારો વિવિધ પૃષ્ઠભૂમિ અને વિચારધારાઓ ધરાવતા હોવા છતાં લોકસેવા અને પોતાના રાજ્યોના હિતને સર્વોપરી રાખવાની સહિયારી પ્રતિબદ્ધતાથી એકજૂટ હતા.
ચૂંટણી અધિકારીઓનો આભાર અને આગામી 2 વર્ષ માટે રણનીતિ
પોતાના નિવેદનમાં બરાક ઓબામાએ ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ કરાવનારા હજારો સરકારી કર્મચારીઓ, ચૂંટણી અધિકારીઓ અને બંને પક્ષોના જમીની કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે લોકશાહીના સૌથી પાયાના અને ગૌરવપૂર્ણ કાર્યને આ લોકોએ સફળ બનાવ્યું છે.
ટ્રમ્પના ભવિષ્ય અંગે ચેતવણી આપતાં ઓબામાએ લખ્યું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાસનકાળના હજુ 2 વર્ષ બાકી છે. આ સમયગાળા દરમિયાન ડેમોક્રેટ્સ અને તમામ જવાબદાર નાગરિકોએ સાવધ રહેવું પડશે. આપણી પાસે જ્યાં પણ બંધારણીય અધિકાર અને સત્તા છે, ત્યાંથી સરકારી નીતિઓના કારણે દેશને થતાં સંભવિત નુકસાનને રોકવું પડશે. વર્તમાન કટોકટીમાંથી દેશને ઉગારીને આવનારી પેઢી માટે એક મજબૂત ભવિષ્યનો પાયો નાખવા આપણે સૌએ કમર કસી લેવી પડશે.”
કમલા હેરિસે ‘હાલેલુયાહ’ કહી ટ્રમ્પની ચપટી લીધી
બીજી તરફ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ટ્રમ્પની આ હાર પર કટાક્ષ કરવાનો મોકો છોડ્યો ન હતો. ચૂંટણી પરિણામો બાદ એક જાહેર સભાને સંબોધતી વખતે કમલા હેરિસે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીની વિદાય પર કટાક્ષ કરતાં લોકોની સામે ‘હાલેલુયાહ’ (Hallelujah – ભગવાનનો આભાર) શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમનો આ અંદાજ જોઈને ઉપસ્થિત સમર્થકોમાં હાસ્ય અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.
મધ્યવર્તી ચૂંટણીમાં સંસદ પરથી નિયંત્રણ ગુમાવ્યા બાદ ટ્રમ્પ વહીવટીતંત્ર હવે રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ ગયું છે. વ્હાઇટ હાઉસમાં બેઠેલા ટ્રમ્પ માટે આગામી 2 વર્ષ કોઈપણ મોટા વિધેયકો કે આકરી નીતિઓ પાસ કરાવવા અત્યંત લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.