જ્ઞાન સહાયક યોજના, કોન્ટ્રાકટ પ્રથા રદ કરાવવા માટે તથા ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરતી કરવા માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા દાંડી થી સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) સુધી યુવા અધિકાર યાત્રાનું (Yuva Adhikar Yatra) આયોજન કરવામાં આવ્યું છે. આજે આ યુવા અધિકાર યાત્રાનો અંતિમ દિવસ છે ત્યારે ઉમેદવારો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. જ્ઞાન સહાયકના વિરોધમાં ઉમેદવારોએ ગુજરાત સરકારનું બેસણું યોજ્યું હતું, અને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા.
જ્ઞાન સહાયકના વિરોધમાં સરકારનું બેસણું
TET TAT પાસ ઉમેદવારોએ જ્ઞાન સહાયકનો અનોખી રીતે વિરોધ કર્યો હતો ઉમેદવારો ગુજરાત સરકારનું બેસણું યોજ્યું હતું. ઉમેદવારોએ રડતા રડતા કહ્યું કે, ‘શિક્ષણ મંત્રીએ અમારી શું હાલત કરી છે. અમે કેટલું કેટલું ભણ્યા અને અમને નોકરી નથી આપતા પહેલા કીધું કે કાયમી નોકરી આપીશું પછી દગો કર્યો અને જ્ઞાન સહાયક આપી દીધી’.
સરકાર નિર્ણય પર મક્કમ
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ભાવિ શિક્ષકો છેલ્લા સમયથી જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. તેમને સરકાર સામે પોતાની માંગ અનેક રીતે રજૂ કરી પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત અનોખા અંદાજમાં તેમણે જ્ઞાન સહાયકો વિરોધ દર્શાવ્યો છે. તેમ છતા સરકાર તેમની અવાજ સાંભળવા તૈયાર નથી. ત્યારે ઉમેદવારો પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.
ગાંધીનગરમાં યુવાનો થશે ભેગા
આજે ગાંધીનગરમાં બેરોજગાર યુવાનો ભેગા થશે અને સરકાર સામે વિરોધ નોંધાવશે, વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે તમામ બેરોજગાર યુવાનોને ગાંધીનગરમાં એકઠા થવા આહ્વાન કર્યં છે ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર શું પગલુ ભરશે.