રાજ્યના ફિક્સ પે કર્મચારીઓ લાંબા સમયથી સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યાં છે તેની વચ્ચે ગઈકાલે રાજ્ય સરકારે ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં પગાર વધારાનો અમલ 1 ઓક્ટોબરથી થશે.
વિરોધ
ગાંધીનગર ખાતે ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયનો અનોખો વિરોધ કર્યો હતો. આ કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને લોલીપોપ ગણાવ્યો હતો. કર્મચારીઓએ લોલીપોપ અને પોસ્ટર સાથે પ્રદર્શન કર્યું હતું. પોસ્ટમાં લખ્યું કે, જો ટપુડા… લોલીપોપ તો ગુજરાત સરકારની… તો અન્ય એક પોસ્ટમાં લખ્ય કે, ઈ ગોલા મેં ગુજરાત સરકાર ફિક્સ પે મેં લોલીપોપ હી કાહે દેવત હૈ?. ફિક્સ પેના કર્મચારીઓએ પોસ્ટ સાથે હાથમાં લોલીપોપ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સરકારનો નિર્ણય
રાજ્ય સરકારના નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. ર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.જોકે સરકારના આ નિર્ણયનો ફિક્સ પેના કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે અને તેને લોલીપોપ ગણાવી રહી છે.