રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત કરાર આધારિત શિક્ષકોની ભરતીના નિર્ણયનો વ્યાપકપણ વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારો આ યોજનાનો નવતર રીતે વિરોધ કરે છે. હનુમાનજીને પ્રાર્થના કરીને હોય, સાધુ સંતો દ્વારા સરકારને વિનંતિ કરવાની હોય કે ગણપતિ દાદાને પ્રાર્થાના કરીને વિરોધ કરવાનો હોય ઉમેદવારો આ યોજનાનો વિરોધ કરવા નવતર નુસ્ખા અપનાવે છે.
આજે દશેરાનું પર્વ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના કોઈ જ્ઞાન સહાયક ઉમેદવારે ખેતરમાં જ્ઞાન સહાયકરૂપી રાવણનું પુતળું બનાવી તેનું દહન કરી પ્રતિક વિરોધ નોંધાવ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના કોઈ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવારો આ પુતળાના દહન સાથે તેમની લડતમાં વિજયી થાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી દ્વારા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ માટે યુવા અધિકારી યાત્રા થકી રિવર્સ દાંડી યાત્રા કાઢવામાં આવી હતી. જેને લોકોનું સમર્થન મળ્યું હવે આગામી દિવસોમાં આ આંદોલન વધુ વેગવંતુ બને તેવા પ્રયાસો ઉમેદવારો કરી રહ્યાં છે જેથી સરકાર તેમની વાત સાંભળી આ નિર્ણય પાછો લે.