Gujarat Government Scheme Launch : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે કન્યાઓ માટેની બે નવી યોજનાઓનો શુભારંભ કરાવ્યો છે. નમો લક્ષ્મી (NAMO LAKSHMI) અને નમો સરસ્વતી (NAMO SARASWATI) યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાઓ ખાસ રાજ્યની કન્યાઓ માટે લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાનદા સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. આ યોજનાઓ હેઠળ દસ લાખ વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે.
શું છે નમો લક્ષ્મી યોજના ?
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ₹50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે.
શું છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ?
વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે.
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર વધારવા અને શાળામાંથી કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા આ યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળાકીય શિક્ષણ માટેની કુલ બજેટ જોગવાઇ છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુ કરવામાં આવી છે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણમાં, તેમાં પણ ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થશે.