Instagram : તુર્કીમાં સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Instamgramને બ્લોક કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિર્ણય હમાસ (Hamas) ચીફ હનિયાના મૃત્યુ પર કરવામાં આવેલી પોસ્ટને હટાવવાના જવાબમાં લેવામાં આવ્યો છે. જો કે આ નિર્ણયની જાહેરાત કરતી વખતે તુર્કીના ઈન્ટરનેટ રેગ્યુલેટરે તેનું કોઈ કારણ આપ્યું નથી.
એર્દોગાન સરકારના નજીકના અખબાર, સબાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર એક તુર્કી વપરાશકર્તાએ હમાસ (Hamas)ના રાજકીય નેતા ઇસ્માઇલ હનીયેહના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ ઇન્સ્ટાગ્રામે તે પોસ્ટ હટાવી દીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે સરકારે આ વળતી કાર્યવાહી કરી છે.
હનીયેહને લગતી પોસ્ટ હટાવવાનો આરો
અગાઉ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનના સંચાર નિર્દેશક અને સહાયક ફહરેટિન અલ્તુને માર્ક ઝકરબર્ગની કંપની મેટાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કોઈપણ નીતિના ઉલ્લંઘનને ટાંક્યા વિના લોકોને હમાસ (Hamas)ના નેતા ઈસ્માઈલ હનીયેહ ના મૃત્યુ પર શોક સંદેશો પોસ્ટ કરવાથી રોકવામાં આવી રહ્યા છે.” તમને જણાવી દઈએ કે ફેસબુક અને Instagram ઝકરબર્ગની કંપની મેટા હેઠળ આવે છે.
તુર્કી હમાસ (Hamas)ને આતંકવાદી માનતું નથી
નાટોનો સભ્ય દેશ તુર્કી તેના પશ્ચિમી સહયોગીઓની જેમ હમાસ (Hamas)ને આતંકવાદી સંગઠન માનતો નથી. રાષ્ટ્રપતિ એર્દોઆન ગાઝામાં ઇઝરાયેલી સેનાની કાર્યવાહી સામે સતત બોલતા રહ્યા છે અને તેઓ હમાસ (Hamas)ના લડવૈયાઓને સ્વતંત્રતા સેનાની પણ કહે છે. ઈસ્માઈલ હનીયેહના નિધન પર શુક્રવારે તુર્કીમાં શોક દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
તુર્કીના લોકો Instagram પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને હનીયેહના મૃત્યુની પોસ્ટ હટાવવા સાથે જોડી રહ્યા છે. તુર્કી પાસે ભૂતકાળમાં સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સને સેન્સર કરવાનો ટ્રેક રેકોર્ડ છે. વકીલો અને માનવાધિકાર કાર્યકરોના સંગઠન અનુસાર, એર્દોગાન સરકારે 2022 થી સેંકડો ડોમેન્સ અવરોધિત કર્યા છે. એટલું જ નહીં, 2007 થી 2010 સુધી તુર્કીમાં વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબને પણ બ્લોક કરી દેવામાં આવ્યું હતું.