China News: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ દબાણ અને ચાલી રહેલા યુએસ-ચીન વેપાર યુદ્ધ છતાં, ચીને પહેલી વાર $1 ટ્રિલિયન સરપ્લસને વટાવી દીધું છે. સોમવારે ચીન દ્વારા જારી કરાયેલા ડેટામાં આ વાત બહાર આવી છે. ઓક્ટોબરમાં અણધાર્યા ઘટાડા બાદ, નવેમ્બરમાં ચીનની નિકાસમાં વધારો થયો હતો, જેના કારણે 2025માં પહેલી વાર તેનો વેપાર સરપ્લસ $1 ટ્રિલિયનથી ઉપર પહોંચી ગયો હતો.
Chinaના કસ્ટમ ડેટા અનુસાર ડોલરના સંદર્ભમાં ચીનની કુલ નિકાસ નવેમ્બરમાં વાર્ષિક ધોરણે 5.9 ટકા વધી હતી, અને આયાત લગભગ બે ટકા વધી હતી. જોકે, ચીનની યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ એક વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ 29 ટકા ઘટી હતી, જે સતત આઠમા મહિને બે આંકડામાં ઘટાડો દર્શાવે છે. દરમિયાન, દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા સહિત અન્ય સ્થળોએ ચીનની નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ હતી.
અમેરિકન બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા કંપની મોર્ગન સ્ટેનલીના અંદાજ મુજબ 2030 સુધીમાં વૈશ્વિક નિકાસમાં ચીનનો હિસ્સો વધીને 16.5 ટકા થશે, જે હાલમાં લગભગ 15 ટકા છે. આ વૃદ્ધિ અદ્યતન ઉત્પાદન અને ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સ અને બેટરી જેવા ઉચ્ચ-વૃદ્ધિ ક્ષેત્રોમાં નિકાસમાં વધારો થવાને કારણે થશે.
ઓક્ટોબરમાં ચીનની નિકાસમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. જોકે, નવેમ્બરમાં તેણે વધુ સારું પ્રદર્શન કર્યું હતું, વિશ્વભરમાં કુલ નિકાસ $330.3 બિલિયન હતી, જે અર્થશાસ્ત્રીઓના અંદાજ કરતાં નોંધપાત્ર રીતે વધુ હતી. દરમિયાન, નવેમ્બરમાં ચીનની આયાત કુલ $218.6 બિલિયન હતી. ફેક્ટસેટ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર વેપાર ડેટા અનુસાર, 2025 ના પ્રથમ 11 મહિના માટે લગભગ $1080 બિલિયનનો વેપાર સરપ્લસ એક રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે, જે 2024 માં સમાન સમયગાળા માટે $992 બિલિયન સરપ્લસ કરતાં વધુ છે. ING બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી લિન સોંગે અહેવાલમાં લખ્યું છે કે “ટૅરિફ ઘટાડાની અસર નવેમ્બર નિકાસમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થઈ શકશે નહીં.” તેની અસર આગામી મહિનાઓમાં દેખાશે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરના અંતમાં દક્ષિણ કોરિયામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક દરમિયાન બંને દેશો એક વર્ષ માટે વેપાર યુદ્ધ સ્થગિત કરવા સંમત થયા હતા. અમેરિકાએ ચીન પરના ટેરિફ ઘટાડ્યા છે, અને ચીને દુર્લભ ખનિજો સંબંધિત તેના નિકાસ નિયંત્રણોને દૂર કરવાનું વચન આપ્યું છે. એક સત્તાવાર સર્વે અનુસાર, ગયા મહિને સતત આઠમા મહિને ચીનની ઉત્પાદન પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો. અર્થશાસ્ત્રીઓ કહે છે કે યુએસ-ચીન વેપાર કરારથી બાહ્ય માંગમાં ખરેખર સુધારો થયો છે કે કેમ તે નક્કી કરવું હજુ પણ વહેલું છે.
આ પણ વાંચો: Israeli Presidentએ ન્યૂ યોર્કના મેયર મામદાની પર ભડક્યા, પહેલા આપ્યો ઠપકો પછી આપી ચેતવણી