Attack On Donald Trump: થોડાક દિવસ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણીની રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે યુએસ સિક્રેટ સર્વિસે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મોટી જાહેર સભાઓ અથવા કોઈપણ પ્રકારના જાહેર મેળાવડાથી દૂર રહેવાની સલાહ આપી છે. જો કે, આ સલાહ શા માટે આપવામાં આવી તે સ્પષ્ટ નથી. આ સમાચાર સામે આવતા જ અમેરિકાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ટ્રમ્પ પર ફરીથી હુમલો થવાનો ખતરો છે?
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, સિક્રેટ સર્વિસે ટ્રમ્પને કોઈપણ મોટા જાહેર સભામાં ભાગ ન લેવાની સલાહ આપી છે. સિક્રેટ સર્વિસે એમ પણ કહ્યું કે આ સલાહ સુરક્ષાના કારણોસર આપવામાં આવી છે. જો કે, ટ્રમ્પની સુરક્ષા કંપનીએ પણ કહ્યું કે બંધ બારણે બેઠક સામે કોઈ વાંધો નથી.
નોંધનીય છે કે કિમ્બર્લી સિએટલે 17 જુલાઈના રોજ સીક્રેટ સર્વિસના વડા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે એક નિવેદનમાં કહ્યું કે પેન્સિલવેનિયામાં 13 જુલાઈની બેઠકમાં ટ્રમ્પ પર થયેલા હુમલા માટે તેમની ઓફિસ જવાબદાર છે. કિમ્બર્લીએ સ્વીકાર્યું હતું કે તે દિવસે પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષામાં શિથિલતા હતી.
ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ દેશભરમાં અનેક જગ્યાએ સભાઓ કરી રહ્યા છે. 13 જુલાઈના રોજ બેથેલ પાર્ક ફેર ગ્રાઉન્ડની બેઠકમાં ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. આરોપી થોમસ ક્રૂકે છોડેલી ગોળી તેમના કાનને અડીને નીકળી ગઈ હતી. તે ઘટના બાદથી ટ્રમ્પની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
હજુ એ સ્પષ્ટ નથી થયું કે 20 વર્ષીય યુવક ટ્રમ્પને કેમ મારવા માંગતો હતો. FBI આ મામલે તપાસ કરી રહી છે. તેઓ પહેલાથી જ સિક્રેટ સર્વિસના ઘણા અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓની પૂછપરછ કરી ચૂક્યા છે. જો કે હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પ્રારંભિક તપાસ બાદ એફબીઆઈએ કહ્યું કે ટ્રમ્પ પર હુમલા પાછળ થોમસ એકલો હતો.