આપણે ત્યાં કહેવાત છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે…. આવી જ રીત મહેસાણાના ભાજપના સક્રિય સભ્ય અને બ્રહ્મ સમાજના કહેવાતા નેતા પિયુષ વ્યાસે વેબસાઈટ ઉપર માય હેપ્પી લોનના નામે સભ્યો બનાવી જીરો % વ્યાજ અને 50 % સબસિડીની લાલચ આપી એક મોટું કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઈ સંબંધે નોંધાવેલી ફરિયાદને પગલે છેલ્લા એક વર્ષથી ચાલતી આ યોજના ભારે ચર્ચાસ્પદનો વિષય બની છે.
ફરિયાદ
કડીના રાજુભાઈ ચંદુભાઈ દંતાણીને શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પિયુષ કૃષ્ણલાલ વ્યાસ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને માય હેપ્પી લોન નામની કંપની બનાવી કંપનીની પત્રિકામાં એક હજારના સભ્યો બનાવો તો તમને બે હજારની લોન મળવાપાત્ર થાય અને આ લોન તમો તમે બેન્ક એકાઉન્ટમાં મેળવો તો કંપની લોનમાંથી ૧૬ ટકા કાપી રૂ. 1680 તમારા ખાતામાં જમા થશે તેવી લોભામણી જાહેરાત કરાઈ હતી. આમાં તમે જેમ વધુ સભ્યો બનાવો તેમ વધારે ઈનામ તરીકે આપવાની પણ આ યોજના હેઠળ જાહેરાત કરી હતી.
મહાકૌભાંડ
આ બહુચર્ચિત માય હેપ્પી લોનના નેતા હેઠળ બનેલા સભ્યોને લોન કે ઈનામ નહિ આપી કે બારોબાર બંધ કરી દઈ છેતરપિંડી આચરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે માય હેપ્પી લોનના નામે મહેસાણા કે ઉત્તર ગુજરાત નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાંથી 27 હજાર જેટલા સભ્યો બનાવીને કૌભાંડ આચરાયુ હતુ.
રજૂઆત
મહાઠગ મહેસાણાના પિયુષ વ્યાસ સામે કાનૂની કાર્યવાહી કરવા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાએ પણ CID Crime ગાંધીનગરને રજૂઆત કરી છે. જેમાં સમાજના નામે ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવવાની યોજના બહાર પાડી સમસ્ત બ્રહ્મસમાજ રોજગાર સહાય યોજનાના નામે સમાજના ભોળા લોકોને છેતરી નાણાકીય ફ્રોડ કરનારને પકડી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત થઈ છે.
એજન્ટોએ પણ બાંયો ચડાવી
મોટી રકમ રોકાણકારો પાસેથી ઉઘરાવ્યા પછી લોન કે ઈનામ નહી મળતા અનેક એજન્ટો પણ હવે મહાઠગ સામે બાંયો ચઢાવી છે અને આ કેસમાં સાક્ષી તરીકે જોડાયા છે. તેમણે મહાઠગ પિયુષ વ્યાસ સામે આકરી કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી.