Iran: ગુરુવારે દક્ષિણપૂર્વ ઈરાનમાં બંદૂકધારીઓએ ત્રણ સરહદ રક્ષકોની હત્યા કરી હતી અને અન્ય એક વ્યક્તિને ઘાયલ કરી હતી. રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની સરહદ નજીક સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં એક કારમાં આવેલા બંદૂકધારીઓએ બોર્ડર રેજિમેન્ટના વાહન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે જવાનો અને એક અધિકારીનું મોત થયું હતું. જ્યારે એક નાગરિક ઘાયલ થયો હતો.
IRNAએ અહેવાલ આપ્યો છે કે આતંકવાદી જૂથ જૈશ અલ-અદલે આ હુમલાની જવાબદારી લીધી છે. જે કથિત રીતે વંશીય બલૂચ લઘુમતી માટે વધુ અધિકારોની માંગણી કરે છે.
22 ઈરાની પોલીસના મોત
તમને જણાવી દઈએ કે એપ્રિલમાં પ્રાંતમાં બે અલગ-અલગ અથડામણમાં ઓછામાં ઓછા 22 ઈરાની પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે આવેલો આ પ્રાંત આતંકવાદી જૂથો, સશસ્ત્ર ડ્રગ સ્મગલરો અને ઈરાની સુરક્ષા દળો વચ્ચે ઘાતક અથડામણનું સ્થળ છે.
રિવોલ્યુશનરી ગાર્ડ્સ હેડક્વાર્ટર પર હુમલો
અગાઉ શંકાસ્પદ સુન્ની મુસ્લિમ આતંકવાદીઓએ દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના મુખ્યાલય પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 11 સુરક્ષા જવાનો અને 16 નાગરિકોના મોત થયા હતા. સરકારી ટીવી અનુસાર, ચાબહાર અને રસ્ક શહેરમાં જૈશ અલ-અદલ જૂથ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ થઈ હતી.
એક ડઝન પોલીસ અધિકારીઓની હત્યા
ડિસેમ્બરમાં પ્રાંતના એક પોલીસ સ્ટેશન પર હુમલામાં આતંકવાદીઓએ લગભગ એક ડઝન પોલીસ અધિકારીઓની હત્યા કરી હતી. સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંત ઈરાનના સૌથી ઓછા વિકસિત ભાગોમાંનો એક છે. આ પ્રદેશના મુખ્યત્વે સુન્ની મુસ્લિમ રહેવાસીઓ અને ઈરાનની શિયા ધર્મશાહી વચ્ચેના સંબંધો લાંબા સમયથી તંગ છે.
આ પણ વાંચો: Kolkata case: હવે આરોપી સંજય રોયનો નાર્કો ટેસ્ટ કરશે CBI, કોર્ટે આપી મંજૂરી