Tapi: હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની કરાયેલી આગાહીને ધ્યાને લઈને તાપી જિલ્લા કલેકટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર આર. આર. બોરડે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર વ્યારાની મુલાકાત લઇને વર્ચ્યુઅલ માધ્યમથી સંબંધિત અઘિકારીઓ સાથે વરસાદના કારણે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નિવાસી અધિક કલેકટર બોરડે જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હળવા દબાણને કારણે ઉત્તર અને સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપી જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોનું જરૂર જણાય તો સલામત સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચિત કરાયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 દરવાજા ખુલ્લા કરીને 247000 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડવાથી નુકસાની જેવી કોઇ પરિસ્થિતિ સર્જાઈ નથી. નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વધતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસના ન કરે તથા બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળવા અંગે ખાસ તકેદારી રાખવા બોરડે પ્રજાજનોને ખાસ અનુરોધ કર્યો હતો.
બોરડે વધુમાં જણાવ્યું કે, પોલીસના જવાનો, એસડીઆરએફની ટીમ તેમજ અંદાજિત 250 આપદા મિત્રો પાણીમાં ફસાયેલા લોકોનું ત્વરિત રેસ્ક્યુ તથા બચાવ રાહત કામગીરી કરવા ખડેપગે છે. તેમજ ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને ઘ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્રના તમામ અઘિકારીઓ-કર્મચારીઓ હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર છે.
આ પણ વાંચો: ‘અગમચેતી એ જ સલામતી’, Banaskantha જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ, NDRFની ટીમ કરાઈ તૈનાત