Surendrnagar : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. હજુ તો આ વરસાદનો પહેલો રાઉન્ડ છે ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદના પહેલા રાઉન્ડમાં જ પાલિકની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદને કારણે સોસાયટીઓમા પાણી ભરાઈ ગયા છે. આ સાથે રોડ રસ્તા પાણીની સુવિધાઓ પણ નથી જેના કારણે આજે સ્થાનિકોએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. અને જો આ અંગે પાલિકા કંઈ નહીં કરે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરમાં રાજકોટ બાયપાસ રોડ તેમજ ગણપતિ ફાટસર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ ગુમ થઈ ગયા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી
ગણપતિ ફાટસર અને રાજકોટ બાયપાસ રોડ પર આવેલી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. પ્રથમ વરસાદના પગલે પાલિકાએ બનાવેલા રોડ-રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. આ સાથે ભૂગર્ભ ગટર યોજના પણ આ વિસ્તારમાં નિષ્ફળ ગઈ છે. ગટરોને ઢાંકણા 6 મહિનાથી તૂટ્યા છતાં કોઇ કામગીરી કરવામાં આવી રહી નથી ત્યારે કંટાળીને સ્થાનિક લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવું રહ્યુ કે, આ ચીમકી બાદ પાલિકાનું તંત્ર જાગે છે કે પછી આંખ આડા કાન કરે છે.
આ પણ વાંચો : Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલએ શિક્ષકોની ભરતી મામલે કરી મહત્વની બેઠક