Surendrnagar : ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.ત્યારે વરસાદે મેળાની પણ મજા બગાડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે સાતમ આઠમનો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર વઢવાણ તેમજ ધાંગધ્રાનો લોકમેળો બંધ રાખવામાં આવ્યો છે. ભારે વરસાદની સ્થિતિને જોતા લોકોની સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળાની મંજુરી રદ્દ
ગુજરાત ભરમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ હજુ પણ હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામા આવી છે ત્યારે આ ભારે વરસાદની સ્થિતિને જોતા સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળાની મંજુરી રદ્દ કરવામા આવી છે. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર અને વઢવાણનો લોકમેળો સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળામાં ગણતરી થાય છે દર વર્ષે વઢવાણ લોકમેળામાં સુરેન્દ્રનગર સહિત અજુબાજુના જીલ્લાના લોકો પણ લાખોની સંખ્યામાં મેળો માણવા આવે છે ત્યારે આ વર્ષે વઢવાણ અને સુરેન્દ્રનગરમાં તારીખ 24/8/2024 થી 29/8/2024 સુધી મેળાની મંજુરી આપવામાં આવી હતી. જો કે ભારે વરસાદની આગાહીને પગલે સુરેન્દ્રનગર, અને વઢવાણમાં ભરાતા લોકમેળાની મંજુરી વઢવાણ પ્રાત અધિકારીએ રદ્દ કરી છે.
મેળાની મંજુરી રદ્દ થતા સ્ટોલ ધારકોને નુકસાન
આ મેળાની મંજુરી રદ્દ થતા સ્ટોલ ધારકો, પાથરણાવાળા, તેમજ રાઇડર્સના લોકોના ભારે નુકસાની જાય તેવી શંકયતાઓ છે. જેના કારણે ધંધાર્થીઓએ પાલીકા તંત્ર ડીપોઝીટ સહિતની રકમ પરત આપે તેવી માંગ કરી છે.