Surendranagar : ગુજરાત સરકાર શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરતી હોય છે, કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા આપવામાં આવે છે. અને સરકાર દ્વારા ભણશે ગુજરાત જેવા સ્લોગન અપાય છે. બજેટમાં શિક્ષણને લઈને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. અને પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. પણ ભૂતકાળમાં કેટલીક ઘટનાઓ સામે આવી હતી, જેમાં શાળામાં ઓરડાની અછતના લીધે બાળકોને ઝાડ નીચે ભણવું પડે છે, શાળામાં ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને ઓરડાની છત નીચે ના પડે તેના ભય નીચે ભણવું પડે છે. ત્યારે શિક્ષણને લગતી વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માધ્યમિક શાળામાં બાળકોને ભણવા પૂરતા ઓરડા નથી.
સુરેન્દ્રનગર જિલ્લાની માધ્યમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે શાળાઓમાં બિલ્ડીંગની અછત હોવાનું સામે આવ્યું છે. જિલ્લાની 81 સરકારી માધ્યમિક શાળાઓમાંથી 46 શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે બિલ્ડીંગ જ નથી. શાળાના બાળકોએ પતરાના શેડ કે બીજી સરકારી બિલ્ડિંગોમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીએ શું કહ્યું?
જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવતા કહ્યું કે, ‘શાળાઓના બિલ્ડીંગ સરકારની ગ્રાન્ટમાંથી પાસ થઇ ગયા છે, પણ શાળાના બિલ્ડીંગોને જમીન ફાળવવામાં બાકી છે. જે જમીન પર શાળાના બિલ્ડીંગ બનવાના છે, ત્યાં અસામાજિક તત્વોએ દબાણ કરેલું છે. દબાણના લીધે વાર લાગી રહી છે તેવું કહ્યું હતું.
સરકારના બજેટ ક્ષેત્રે ફાળવેલા કરોડો રૂપિયા ધૂળમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણના પૈસા સરકારના ભ્રષ્ટાચારી વરુઓ ખાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. દાદાની સરકાર અને શિક્ષણમંત્રી મોટી મોટી વાતો બંધ કરે અને ગુજરાતનું શિક્ષણ જે ખાડે ગયું છે તેમાં સુધાર કરે. બાળકોને ખુલ્લા મેદાનમાં ભણવું પડે તે ગુજરાત સરકાર માટે શરમજનક ઘટના કહેવાય. અને સરકાર પ્રવેશોત્સવના ખોટા તાયફા બંધ કરી બાળકોને ભણવા માટે પૂરતી સુવિધા આપે.
આ પણ વાંચો : Vadodara Rape Case : વડોદરા દુષ્કર્મ મામલે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર, પોલીસે 7 દિવસના માંગ્યા હતા રિમાન્ડ