સુરેન્દ્રનગર જિલ્લાના પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં રામગઢ અને નોલી ગામના 81 ખેડૂતોને ખોટી રીતે વીજ વિભાગે દંડ ફટકારતા ખેડૂતો રોષે ભરાયા હતા અને આ મુદ્દે ખેડૂતો કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા અને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.
ખેડૂતોનો અનોખો વિરોધ
વીજ કર્મીઓની હેરાનગતિથી પરેશાન થયેલા ખેડૂતો કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા અને ખેડૂતોએ ‘જય જવાન જય કિસાન, PGVCL તેરી દાદાગીરી નહીં ચલેગી’ ના નારા લગાવ્યા હતા. અને જિલ્લા કલેકટરની ચેમ્બર સુધી દંડવડ કરી રજુઆત કરી હતી. રામગઢ અને નોલી ગામના 81 ખેડૂતોને વીજ વિભાગના અધિકારીઓ દ્વારા ખોટી રીતે 1 કરોડ થી વધુની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વીજ કર્મીઓ દ્વારા ખેડૂતો સામે ખોટા કેસ કરીને તેમની પર અત્યાચાર કરવામા આવે છે.
ખેડૂતોનો આક્ષેપ
વીજ વિભાગના અધિકારીઓ પાસે ખેડૂતો વીજ ચોરી કરતા હોવાનો કોઈ પુરાવો પણ ન હોવાનો ખેડૂતોએ જિલ્લા કલેકટર સમક્ષ આક્ષેપ કર્યો હતો. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતુ કે, જે ખેડૂતોને વીજ કનેસકન નથી તેવા ખેડૂતોને 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં વીજ વિભાગના અધિકારીઓની બેદરકારી હોવાનો ખેડુતોએ આક્ષેપ કર્યો છે.