Surendranagar : સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે. અને મહિલાઓને પુરુષો જેટલી જ સમાનતા મળે તેના માટે કાર્યો કરે છે. રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી નહિવત પ્રમાણમાં હતી. તેના માટે સરકાર ગ્રામ પંચાયતો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામતની વ્યવસ્થા લાવી કે, જેનાથી મહિલાઓ પણ વિકાસ કાર્યોમાં જોડાય અને તેમને પણ સમાનતા મળે. ત્યારે ઘણીવાર એવું જોવા મળે કે, અનામતની વાત માત્ર કાગળ ઉપર હોય અને ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચના નામે તેમના પતિ વહીવટ કરતા હોવાનું સામે આવતું હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં ગ્રામપંચાયતમાં ગ્રામસભા યોજાઈ હતી, પણ તેમાં મહિલા સરપંચ ગેરહાજર હતા. અને તેમના સ્થાને તેમના પતિ હાજર હતા, ત્યારે ગ્રામજનોએ હોબાળો કર્યો હતો.
આજે સુરેન્દ્રનગરના વડધ્રા ગ્રામપંચાયતમાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ગુજરાત સરકારે જાહેરાત કરી કે, 2 ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગ્રામપંચાયતમાં ગ્રામસભા યોજવી અને ગામના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવી. ત્યારે આજે વડધ્રા ગામમાં ગ્રામસભા યોજાઈ હતી. પણ ગ્રામસભામાં મહિલા સરપંચ ગેરહાજર હતા. અને તેમના સ્થાને તેમના પતિ હાજર હતા. મહિલા સરપંચના પતિએ ગ્રામપંચાયતમાં તલાટી અને સરકારી અધિકારી એમ કુલ 3 લોકો સાથે ગ્રામસભા યોજી હતી. પણ ગ્રામસભા ગામના ચોકમાં અને ગામના લોકો સાથે યોજવી જોઈએ. તેવી માંગ સાથે આજે ગ્રામજનો ગ્રામપંચાયત પહોંચ્યા અને વિરોધ કર્યો હતો. ત્યારે મહિલા સરપંચના પતિએ ગ્રામજનો સાથે મારામારી અને ગાળાગાળી કરી હતી.
સરકાર મહિલાઓ માટે અનામત તો લાવી પણ મહિલાઓને તેનાથી કેટલો લાભ થાય છે. આવા કિસ્સાઓ દર વખતે સામે આવે છે પણ સરકાર કંઈ કાર્યવાહી કરતી નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર મહિલા સરપંચના પતિ વિરુદ્ધ શું કાર્યવાહી કરશે?
આ પણ વાંચો : Delhi : દિલ્હીમાં શાહી ઈદગાહ પાસે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા સ્થાપિત થશે, કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ