Surendranagar : સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાએ જ ખોલી ભ્ર્ષ્ટાચારની પોલ, રસ્તા બનાવવાની ચાલુ કામગીરી અટકાવી

October 15, 2024

Surendranagar : ગુજરાતમાં કેટલાક સમયથી ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં ભ્રષ્ટાચારના ઘણા કિસ્સા સામે આવ્યા હતા, જેમાં બ્રિજ બન્યો હોય અને 1 મહિનામાં તેમાં તિરાડ પડી હોય, રોડ બન્યો હોય અને પહેલા વરસાદમાં જ રોડ ધોવાઈ જાય, અને બ્રિજ બન્યા પછી નબળી ગુણવતાને કારણે બ્રિજ તોડવો પડે એવી પરિસ્થિત ઉભી થાય, આવા અનેક કિસ્સા સામે આવ્યા હતા. વિપક્ષના નેતાઓ સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલતા હોય છે. હવે વિપક્ષના નેતાઓ સાથે ભાજપના નેતાઓ પણ ભ્રષ્ટાચારથી કંટાળી સરકાર સામે બોલી રહ્યા છે. ભાજપના નેતાઓ જ સરકારની પોલ ખોલી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. સુરેન્દ્રનગર (Surendranagar)માંથી એક ઘટના સામે આવી છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા થતું નબળી ગુણવત્તાનું રોડનું કામ ભાજપના જ ધારાસભ્ય (MLA)એ અટકાવ્યું.

સુરેન્દ્રનગરમાં વરસાદથી રોડ-રસ્તાનું ધોવાણ થયું હતું. ત્યારે સરકાર દ્વારા 1.86 કરોડના ખર્ચે લખતર બસસ્ટેશનથી સહયોગ વિદ્યાલય સુધીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક નેતાઓએ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું કામ થઇ રહ્યું છે, એવી ધારાસભ્યને રજુઆત કરી હતી. ત્યારે આજે પાટડી-લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર (MLA PK Parmar) આજે રોડની કામગીરી જોવા આવ્યા હતા. ત્યારે રોડનું મટીરીયલ નબળી ગુણવત્તાનું હતું, અટલે ધારાસભ્યએ રોડનું કામ અટકાવી દીધું. અને કોન્ટાક્ટરને સૂચના આપી કે સારી ગુણવત્તાનું મટીરીયલ વાપરવું અને રોડની સારી ગુણવતાવાળું કામ થશે તો જ આગળ કામ કરવા મળશે એવી ચીમકી આપી હતી.

ગુજરાતમાં હવે ધારાસભ્યો પણ પોતાની સરકાર દ્વારા અપાયેલા રોડના કોન્ટ્રાકટમાં ચાલતા ભ્ર્ષ્ટાચારથી કંટાળી ગયા છે. અને રોડ- રસ્તામાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે હવે ભાજપના નેતાઓ જ સરકારની કામગીરીનો વિરોધ કરતા જોવા મળી રહ્યાં છે. ધારાસભ્યો અને ભાજપના જ ચૂંટાયેલા નેતાઓનું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાંભળતા નથી. ત્યારે જોઈએ સરકાર હવે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ કડક પગલાં ભરશે? અને રોડ-રસ્તામાં થતા ભ્રષ્ટાચાર ક્યારે અટકશે? ભાજપ સરકાર જનતાનું તો નથી સાંભળતી પરંતુ શું તે તેના જ નેતાનું સંભાળશે ખરી ?

આ પણ વાંચોSCO Summit : જયશંકર SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા, 9 વર્ષ પછી ભારતીય વિદેશ મંત્રીની પહેલી પાકિસ્તાન મુલાકાત

Read More

Trending Video