Surendranagar માં અતિભારે વરસાદથી ગામો સંપર્કવિહોણા બન્યા, બે ડેમ ઓવરફ્લો, 28થી વધુ રસ્તાઓ બંધ, 1,200થી વધુ શાળાઓમાં રજા

August 1, 2026

Surendranagar જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. વઢવાણ શહેર સહિત અનેક તાલુકાઓમાં માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે દસાડા, મૂળી, ચોટીલા અને લખતર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. જિલ્લાના બે ડેમ ઓવરફ્લો થયા છે અને 28થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરની 50થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વાંસલ ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામોને એલર્ટ

ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં ડેમ વિભાગ દ્વારા સાવચેતીની જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. ચુડા અને ગોખરવાળા ગામના લોકોને ખાસ સતર્ક રહેવા, નદીમાં અવરજવર ન કરવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી માલમિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્રએ અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરી છે.

અનેક ગામો સંપર્કવિહોણા, SDRF અને તંત્ર સ્ટેન્ડબાય

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લીંબડી તાલુકાનું સમલા ગામ અને વઢવાણ તાલુકાનું દેદાદરા ગામ સંપર્કવિહોણાં બન્યાં છે. દેદાદરામાં ઘરોમાં કમર સુધી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું છે, જ્યારે ગામની પ્રાથમિક શાળાને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં 100થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં 1,200થી વધુ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

વઢવાણનો ઐતિહાસિક ગઢ ધરાશાયી, લોકોમાં રોષ

ભારે વરસાદના કારણે વઢવાણનો અંદાજે એક હજાર વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ ધોળીપોળ નજીક ધરાશાયી થયો છે. સદનસીબે ઘટનાસમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગઢના સમારકામની માંગણી છતાં પુરાતત્વ વિભાગ અને સંબંધિત તંત્રએ જરૂરી ધ્યાન આપ્યું નહોતું. ગઢનો એક ભાગ તૂટી પડતાં વઢવાણવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરમાં પાણી ભરાયા, અંડરબ્રિજ બંધ

સુરેન્દ્રનગર અને ધાંગધ્રા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ધાંગધ્રાની મુખ્ય બજાર, રાજકમલ ચોક અને શક્તિ ચોકમાં પાણી ભરાવાથી વેપાર-ધંધા પર અસર પડી છે. સુરેન્દ્રનગર શહેરના બંને અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં પોલીસે બંદોબસ્ત ગોઠવી વાહનવ્યવહાર બંધ કરાવ્યો છે. તંત્રએ લોકોને કોઝવે, નદી અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Chhota Udepur માં મેઘમહેરથી જનજીવન પ્રભાવિત, નસવાડીમાં 151 મિ.મી. વરસાદ, નદીઓ બે કાંઠે; માર્ગો બંધ, એક બાળકીનું કરુણ મોત

Read More

Trending Video