Surat શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં 27 એપ્રિલ 2026ના રોજ બનેલી ચકચારી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. બપોરના સમયે એલએચ રોડ પર આવેલી બેંકમાં પાંચથી વધુ શખ્સો ઘૂસ્યા હતા અને પિસ્તોલ જેવા હથિયારો બતાવી કર્મચારીઓ તથા ગ્રાહકોને બંધક બનાવી દીધા હતા.
આયોજનબદ્ધ રીતે અંજામ અપાયેલી લૂંટ
આરોપીઓએ બેંકમાંથી આશરે ₹12 લાખ રૂપિયા તેમજ બીજી બ્રાંચમાંથી મંગાવવામાં આવેલા ₹38 લાખ રૂપિયા મળી કુલ ₹51 લાખની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાને ફિલ્મી અંદાજમાં અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટ બાદ આરોપીઓ સ્પ્લેન્ડર, પલ્સર અને અપાચી જેવી બાઈક પર ફરાર થઈ ગયા હતા.
પોલીસની તાબડતોબ કાર્યવાહી
ઘટના બાદ સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી અને 7 પીઆઈ તેમજ 100થી વધુ પોલીસકર્મીઓની ટીમો બનાવી. પોલીસે 1000થી વધુ CCTV કેમેરાની ફૂટેજ અને મોબાઇલ ટાવર ડેટાનું વિશ્લેષણ કર્યું. ટેક્નિકલ માહિતીના આધારે ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી.
ઉત્તર પ્રદેશમાંથી આરોપીઓ ઝડપાયા
તપાસ દરમિયાન બિહારનો કુંદન ઉર્ફે ભગત ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું. મોબાઇલ ડેટાના આધારે ઉત્તર પ્રદેશના રાયબરેલી અને અયોધ્યા વિસ્તારમાંથી શુભમ કુમાર અને અજીત ઠાકુરની સંડોવણી બહાર આવી. પોલીસે શુભમ ઠાકુરને અયોધ્યાથી ઝડપી પાડ્યો, જ્યારે વિકાસસિંહ રાજપૂતને આશ્રય આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવી.
જપ્તી અને આગળની કાર્યવાહી
ઝડપાયેલા આરોપીઓ પાસેથી ₹93 હજાર રોકડા અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ હાલ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
જેલમાંથી ચાલતું ગેંગનું સંચાલન
પોલીસ મુજબ, ગેંગનો મુખ્ય સૂત્રધાર કુંદન ભગત હાલ પટનાની બેઉર સેન્ટ્રલ જેલમાં કેદ છે અને ત્યાંથી જ ગેંગનું સંચાલન કરતો હતો. આરોપીઓએ અગાઉથી બેંકની રેકી કરી હતી અને ખોટા આધાર કાર્ડ બનાવી શહેરમાં ભાડાના મકાનોમાં રહી લૂંટની યોજના બનાવી હતી.
પોલીસનો વિશ્વાસ
સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, ટૂંક સમયમાં બાકીના આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવશે. આ કેસમાં પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી કરીને મોટી સફળતા મેળવી છે.
આ પણ વાંચો : Gujarat Rain Alert : ગુજરાતમાં ભરઉનાળે વરસાદની આગાહી, આ છ જિલ્લામાં જોરદાર પવન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી