Arvind Kejriwal : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી (Former Delhi CM) અને આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal ) હાલમાં જ તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે. તે દિલ્હી દારૂ કૌભાંડના કેસમાં જેલમાં હતા. જો કે, જેલમાંથી બહાર આવતાની સાથે જ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ માટે બીજી મોટી સમસ્યા ઉભી થઈ છે. માસ્ટર ઠગ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ સહિત ઘણા નેતાઓ પર 10 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપ લગાવ્યો હતો. હવે આ કેસમાં સીબીઆઈએ જેલમાં રહેલા ઠગ સુકેશનું નિવેદન નોંધ્યું છે.
સીબીઆઈએ સુકેશનું નિવેદન લીધું
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને તિહારના પૂર્વ ડીજી વિરુદ્ધ ફરિયાદ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખરનું નિવેદન નોંધવામાં આવ્યું છે. સીબીઆઈએ જેલમાં જઈને ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરનું નિવેદન નોંધ્યું હતું. સીબીઆઈએ કોર્ટ પાસે જેલમાં જઈને સુકેશનું નિવેદન નોંધવાની પરવાનગી માંગી હતી. તીસ હજારી કોર્ટે આ માટે પરવાનગી આપી હતી, ત્યારબાદ તપાસ એજન્સી જેલમાં ગઈ હતી અને મહાઠગનું નિવેદન નોંધ્યું હતું.
સુકેશ ચંદ્રશેખરનો દાવો
સુકેશ ચંદ્રશેખરે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડીજી તિહાર સંદીપ ગોયલને લાખો રૂપિયા લાંચ તરીકે આપ્યા હતા. આ ફરિયાદ માસ્ટર ઠગ સુકેશે જેલમાંથી દિલ્હીના એલજી અને ગૃહ મંત્રાલયને પત્ર લખીને કરી હતી. ફરિયાદના આધારે એલજી અને ગૃહ મંત્રાલયે સુકેશની ફરિયાદની તપાસ કરવાની મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ ટૂંક સમયમાં ફરી જેલમાં જશે અને સુકેશનું નિવેદન નોંધશે.