Sugar Stock Limit માં કેન્દ્ર સરકારનો મોટો ઘટાડો: વેપારીઓ માટે 2 હજાર કિલોની મર્યાદા નક્કી, 15 સપ્ટેમ્બરથી અમલ

September 2, 2026

Sugar Stock Limit: દેશભરમાં આગામી તહેવારોની મોસમને ધ્યાને રાખીને ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા અને સંગ્રહખોરી પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો અને અન્ન મંત્રાલય દ્વારા વેપારીઓ માટે ખાંડની મહત્તમ સંગ્રહ મર્યાદા (Stock Limit) માં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. નવા આદેશ મુજબ હવે નાના-મોટા વેપારીઓ વધુમાં વધુ 2,000 કિલો (2 મેટ્રિક ટન) સુધીનો જ જથ્થો રાખી શકશે.

ગુજરાત સરકાર પણ પોતાના નિયમોમાં કરશે ઘટાડો

કેન્દ્ર સરકારના નિર્દેશોના પગલે ગુજરાત સરકારનો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પણ રાજ્યભરમાં ખાંડની સ્ટોક લિમિટમાં ઘટાડો કરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડશે. રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનો, હોલસેલર્સ તેમજ ડીલર્સ પર આ નિયમ સમાન રીતે લાગુ પડશે, જેથી સ્થાનિક બજારોમાં ખાંડની કૃત્રિમ અછત સર્જાય નહીં.

15 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ: 30 દિવસથી વધુ સંગ્રહ કરવા પર રોક

નવા નિયમની મુખ્ય જોગવાઈઓ મુજબ આ સુધારેલી સ્ટોક લિમિટ આગામી 15 સપ્ટેમ્બર 2026 થી રાજ્ય અને દેશભરમાં કડકપણે લાગુ કરવામાં આવશે. વેપારીઓ માટે સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં ખાંડનો સ્ટોક 30 દિવસથી વધુ સમય માટે ગોડાઉન કે દુકાનમાં જાળવી શકાશે નહીં. વેપારીઓએ નિયમિતપણે પોર્ટલ પર પોતાના વાસ્તવિક સ્ટોકની વિગતો જાહેર કરવાની રહેશે.

કૃત્રિમ અછત અને ભાવવધારા સામે કડક તવાઈ

સામાન્ય રીતે રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ખાંડની માંગમાં ધરખમ ઉછાળો આવે છે. આ સમયગાળામાં અમુક નફાખોર વેપારીઓ દ્વારા મોટા પાયે સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરવામાં આવતી હોય છે, જેના પરિણામે ખુલ્લા બજારમાં ભાવ આસમાને પહોંચે છે. સરકારના આ નિર્ણયથી બજારમાં ખાંડનો સતત પ્રવાહ જળવાઈ રહેશે અને સામાન્ય નાગરિકોને વાજબી ભાવે ખાંડ ઉપલબ્ધ થશે.

તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે નિયત તારીખ બાદ પુરવઠા વિભાગની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા વિવિધ ગોડાઉનો અને જથ્થાબંધ વેપારીઓના સ્થળોએ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવશે. જો કોઈ વેપારી નિર્ધારિત 2,000 કિલોથી વધુ કે બિનહિસાબી જથ્થો રાખતો ઝડપાશે, તો આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Sugar Price Hike in Ahmedabad: ખાંડના ભાવ પહોંચ્યા ₹75 સુધી, 2009 પછીનો સૌથી મોટો ઉછાળો

Read More

Trending Video