Somnath: દેવાધિદેવ સોમનાથ મહાદેવના (Somnath Mahadev) સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો (Shravan) ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસે જ સોમવાર હોય સોમનાથ મંદિર પરિસરમાં (Somnath temple) મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 04 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 20,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબના હસ્તે ૩૦ દિવસે અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
ભક્તો માટે મંદિર ટ્રસ્ટે કરી ખાસ વ્યવસ્થા
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેશ વિદેશમાંથી ભક્તો દર્શન માટે આવતા હોય છે જેથી વહેલી સવારે 4 વાગે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. લોકોને સારી રીતે દર્શનનો લાભ મળે તે માટે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી યાત્રીઓને સારી રીતે દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામા આવી છે.આ વખતે પરિસર પણ મોટો થયો છે ત્યારે એન્ટ્રી અને એક્ઝીટ બંન્ને અલગ કરી સારી રીતે લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભગવાનને રોજ અલગ અલગ શૃગાર કરવામાં આવશે. લોકો દ્વારા મંદિરમાં અનેક પુજાઓ નોંધાવવામાં આવતી હોય છે. તેના માટે મંદિર પરિસમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તો ઘરે બેઠા પણ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પરથી માત્ર 25 રુપિયામાં ભગવાન સોમનાથને બિલ્વ ચઢાવી શકે તેવી પુજા પણ ખાસ લોન્ચ કરવામા આવી છે.આ સાથે ભક્તો અહીં જે આવે છે તેઓ માત્ર 25 રુપિયામાં મહામૃત્યુજયનો યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા પણ મંદિર પરિસરમાં ગોઠવવામાં આવી છે.