Somanath Demolition : ગુજરાતમાં સરકાર ગેરકાયદેસર બાંધકામો સામે મોટી કાર્યવાહી કરી રહ્યું છે. શુક્રવારે રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરીમાં લાગેલા છે. કાટમાળ હટાવવા માટે 70 ટ્રેક્ટર-ટ્રોલીઓ તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદેસર બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી. આ કામગીરી દરમિયાન લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને તે દરમિયાન તેમની સાથે વાત કરી રહેલા ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝરની કાર્યવાહી | Nirbhaynews#somnath #gujarat #bjp #masjid #bjpgujarat #viralvideos #nirbhaynews pic.twitter.com/egdl2cLSJc
— Nirbhaynews (@nirbhaynews1) September 28, 2024
ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિડીયો વાયરલ
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ગઈકાલે ડિમોલિશન કામગીરી દરમિયાન એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ જાણે મુસ્લિમોને દબાણ હટાવવાની તંત્રની કામગીરીને રોકવા માટે ભડકાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ આ વીડિયોમાં બોલી રહ્યા છે કે, જો તમે સાચા છો તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરો અને બુલ્ડોઝરની આગળ જમીન પર સુઈ જાઓ. અને બીજી તરફ વિડીયો બનાવી લ્યો. અને જો તમને જરૂર હોય તો હું પણ તમારી સાથે અહીં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવા તૈયાર છું.
સોમનાથમાં દાદાનું બુલડોઝર ચાલ્યું
પણ વાંધો કોણે ઉઠાવ્યો ? | Nirbhaynews#girsomnath #somnath #girsomnathnews #masjid #viralvideos #nirbhaynews pic.twitter.com/SXGzTwqCSv— Nirbhaynews (@nirbhaynews1) September 28, 2024
વાયરલ વીડિયોને લઈને નિર્ભય ન્યુઝ પર શું બોલ્યા વિમલ ચુડાસમા ?
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વાયરલ વીડિયો મામલે નિર્ભય ન્યુઝ સાથે વાત કરી હતી. જેમાં તેમણે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું કે, મેં તેમને કોઈ જ ખોટી રીતે ભડકાવ્યા નથી. મેં તો તેમને જો તેઓ સાચા છે તો પોતાની છત બચાવવાનો રસ્તો બતાવ્યો છે. ત્યાં 700 જેટલા રહેઠાણો છે. જો અચાનક તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે તો બધા જાય ક્યાં ? ત્યાં લોકો પણ એ જગ્યા ખાલી કરવા તૈયાર છે પરંતુ તેમને સામે રહેવાલાયક જગ્યા તો આપવી પડે ને. તમે અચાનક 700 જેટલા રહેઠાણ તોડી પાડો તો પછી હવે તેઓ ક્યાં રહેવા જાય. આ ડિમોલિશન પણ એટલે કરવામાં આવે છે. કારણ કે ત્યાં ખુબ મોટાપાયે નવા મોલ અને હોટેલ શરુ કરવાનું સરકારનું આયોજન છે. તો તેને લઈને આ લોકોએ તેમના ઘરવિહોણા બનવું પડી રહ્યું છે. ગરીબોના ભોગે તમે ક્યાં સુધી વિકાસ કરશો.
મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરાયું
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થળ પર 1400 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘણા પોલીસના દળો પણ સ્થળ પર હાજર છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબુમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : TATA Plant Fire : TATAની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ધુમાડોના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા