રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી જ વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ પર શિમલ-મનાલી જેવો માહોલ જોવા મળ્યો હતો. માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ જતાં લોકોએ પોતાના વાહન થોભાવી શિમલા-મનાલી ફર્યાનો ક્ષણિક આનંદ લૂંટી લીધો હતો. ફોટો સેલ્ફી સોશિયલ મીડિયામાં લોકોએ શેર કરી.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાલરનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ બરફની ચાદરમાં ફોટા પડાવતા જોવા મળ્યા. વરસાદી મૌસમની લોકોએ ભરપુર મજા લીધી. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે જે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે.