SMC Raid: અમદાવાદ અને ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની સપાટાબંધ કાર્યવાહી, 4 હુક્કાબાર પર દરોડા પાડી ₹2.72 લાખનો મુદ્દામાલ જપ્ત

November 4, 2026

SMC Raid: ગુજરાતમાં પ્રતિબંધિત હુક્કાબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અત્યંત આક્રમક અને સપાટાબંધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેર તેમજ પાટનગર ગાંધીનગરમાં સામાન્ય કાફે અને લાઉન્જની આડમાં નશાનો કાળો કારોબાર ચલાવતા અસામાજિક તત્વો પર એસએમસીની ટીમોએ એકસાથે ત્રાટકીને 4 જાણીતા સ્થળો પર દરોડા પાડ્યા છે. આ આકસ્મિક ઓપરેશન દરમિયાન ગાંધીનગરના ટેમ્પેશન કાફે, અમદાવાદના ટીસીસ લાઉન્જ, ચાંદખેડાના કિંગ્સ કાફે અને સરખેજના જેકલ લાઈવ કેફેમાંથી ગેરકાયદે હુક્કાની મહેફિલ માણતા ગ્રાહકો, મેનેજરો તેમજ માલિકો સહિત અનેક શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન પોલીસે ચારેય સ્થળો પરથી કુલ ₹2.72 લાખની કિંમતનો હુક્કા, નિકોટિનયુક્ત ફ્લેવર્સ અને અન્ય સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગાંધીનગરના ટેમ્પેશન કાફેમાં 12 ગ્રાહકો ઝડપાયા

પાટનગર ગાંધીનગરના શાંત વાતાવરણમાં યુવાધનને ગેરમાર્ગે દોરતા ટેમ્પેશન કાફે પર SMC ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. કાફે પરિસરમાં ગેરકાયદેસર રીતે મોંઘાદાટ હુક્કા પીરસવામાં આવી રહ્યા હતા. પોલીસે રેડ પાડીને ઘટનાસ્થળેથી હુક્કાની કસ ખેંચી રહેલા 12 ગ્રાહકોની અટકાયત કરી હતી. આ સાથે જ હુક્કા પીરસનાર અને કાફેના સંચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને ત્યાંથી હુક્કા પોટ્સ અને પ્રતિબંધિત ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

અમદાવાદના TC’s લાઉન્જમાં માલિક-મેનેજર સહિત 8 ની ધરપકડ

બીજી તરફ અમદાવાદ શહેરમાં SMC ની ટીમે પશ્ચિમ વિસ્તારમાં આવેલા જાણીતા TC’s લાઉન્જ પર સપાટો બોલાવ્યો હતો. લાઉન્જના અંદરના ગુપ્ત રૂમમાં હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે ટીમે તપાસ હાથ ધરી હતી. આ રેડ દરમિયાન લાઉન્જના માલિક, મેનેજર તેમજ અન્ય કર્મચારીઓ અને ગ્રાહકો મળીને કુલ 8 ઈસમોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અહીંથી પણ મોટા પ્રમાણમાં ચિલમ, પાઈપો, કોલસા અને કેમિકલયુક્ત ફ્લેવર્સ કબજે કરવામાં આવ્યા હતા.

ચાંદખેડાના કિંગ્સ કાફે અને સરખેજના જેકલ લાઈવ કાફે પર સકંજો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા કિંગ્સ કાફેમાં પણ ગેરકાયદે હુક્કાબાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કિંગ્સ કાફેમાંથી માલિક સહિત 3 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સરખેજ વિસ્તારમાં યુવાનોના ફેવરિટ સ્પોટ બની ચૂકેલા જેકલ લાઈવ કેફે પર પણ SMC એ સફળ રેડ કરી હતી. સરખેજના જેકલ લાઈવ કેફેમાંથી સંચાલક અને માલિક જીગર પટેલને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

₹2.72 લાખનો મુદ્દામાલ જપ્ત, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

સ્ટેટ મોનિટરિંગ સેલે આ ચારેય દરોડા દરમિયાન કુલ ₹2.72 લાખનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે. જેમાં આધુનિક હુક્કા પોટ્સ, પાઇપ્સ, હર્બલ અને નિકોટિનયુક્ત ફ્લેવર્સના ડબ્બા, ચારકોલ તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામેલ છે. ગુજરાતમાં કાયદાકીય રીતે હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ કેફે કલ્ચરના નામે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાની બાબતે હવે ચકચાર જગાવી છે. એસએમસીના આ ઓપરેશનથી બંને શહેરોના કાફે સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ (COTPA) હેઠળ ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Adivasi Nyay Mahasammelan: કેબિનેટમાં સહી કરીને નિર્ણય લો નહીંતર 2027 માં ઘરભેગા થશો: ગોપાલ ઈટાલિયાની ભાજપ સરકારને ખુલ્લી ચીમકી

Read More

Trending Video