Shikhar Dhawan Retirement: શિખર ધવને ક્રિકેટને કહ્યું અલવિદા,ભાવુક સંદેશો આપતા કહી હૃદય સ્પર્શી વાતો

August 24, 2024

Shikhar Dhawan Retirement:  લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી (Indian Cricket Team) બહાર રહેલા શિખર ધવને (Shikhar Dhawan) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. શિખર ધવને 24 ઓગસ્ટની સવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.  37 વર્ષના આ ખેલાડીએ 2010માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેની 13 વર્ષની કારકિર્દીમાં તેણે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

શિખર ધવને ક્રિકેટમાંથી લીધી નિવૃતિ

ડાબા હાથના અનુભવી બેટ્સમેન શિખર ધવને વીડિયો દ્વારા કહ્યું, “હેલો મિત્રો! આજે હું એવા સ્થાને ઉભો છું જ્યાંથી જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને ઘણી યાદો દેખાય છે અને જ્યારે હું આગળ જોઉં છું ત્યારે મને આખી દુનિયા દેખાય છે. ભારત માટે રમવા માટે મારી પાસે હંમેશા એક જ લક્ષ્ય હતું અને તે થયું. આ માટે હું ઘણા લોકોનો, મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારિક સિન્હા, મદન શર્માનો આભાર માનું છું, જેમની નીચે હું ક્રિકેટ શીખ્યો છું, પછી મારી ટીમ જેની સાથે હું વર્ષો સુધી રમ્યો, નવો પરિવાર મળ્યો, નામ મળ્યું.,સાથ મળ્યો. ઘણો પ્રેમ મળ્યો. કહેવાય છે કે વાર્તામાં આગળ વધવા માટે પાના ફેરવવા પડે છે. બસ, હું પણ તે કરવા જઈ રહ્યો છું. હું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી રહ્યો છું.

બીસીસીઆઈ  અને ચાહકોનો માન્યો આભાર

ક્રિકેટ જગતમાં ગબ્બર તરીકે ઓળખાતા ભારતીય બેટ્સમેને આગળ કહ્યું, “હવે જ્યારે હું આ ક્રિકેટ સફરને અલવિદા કહી રહ્યો છું, ત્યારે મારા હૃદયમાં એક શાંતિ છે કે હું દેશ માટે લાંબો સમય રમ્યો છું. હું બીસીસીઆઈ અને ડીડીસીએનો પણ મારા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માનું છું. હું મારા ચાહકોનો પણ આભાર માનું છું, જેમણે મને ઘણો પ્રેમ આપ્યો. હું મારી જાતને માત્ર એટલું જ કહું છું કે તમે હવે દેશ માટે નહીં રમી શકો એ વાતનું દુઃખી ન થાવ, પણ ખુશ થાઓ કે તમે દેશ માટે ઘણું રમ્યા છો.”

શિખર ધવનની ક્રિકેટની કારર્કીર્દી

મહત્વનું છે કે,  શિખર ધવનની ગણના એક સમયે ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થતી હતી, આ 37 વર્ષના ખેલાડીએ 2010માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. પોતાની 13 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20 મેચ રમી છે. આ દરમિયાન ધવનનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો હતો. તેણે 34 ટેસ્ટમાં 40.61ની એવરેજથી 2315 રન બનાવ્યા. આ દરમિયાન તેણે સાત સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. ધવનનો સર્વોચ્ચ સ્કોર 190 રન છે. ODIમાં ધવને 167 મેચોમાં 44.11ની એવરેજ અને 91.35ની સ્ટ્રાઈક રેટથી 6793 રન બનાવ્યા છે. તેના નામે 17 સદી અને 39 અડધી સદી છે. પોતાના T20 કરિયરની વાત કરીએ તો ધવને 68 મેચમાં 1759 રન બનાવ્યા છે. તેણે પોતાના બેટથી 11 અડધી સદી ફટકારી છે. જોકે, ધવન બે વર્ષથી ટીમની બહાર હતો અને પુનરાગમન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ધવને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી.

આ પણ વાંચો : વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગોરવામાં શ્રીજીના આગમન પહેલા નીકળતી શોભાયાત્રા પર પથ્થરમારો

Read More

Trending Video