રાજ્યમાં નકલી ધી – તેલ, નકલી માવો, નકલી મલાઈ, નકલી ENO, નકલી અધિકારી, નકલી કચેરી અને હવે નકલી શાળા ઝડપાઈ હોવાની વિગતો સામે આવી છે. જાણકારી મુજબ અમદાવાદના પાલડી કાંકજ ગામમાં શારદા શિક્ષણ તિર્થ પ્રાથમિક શાળા મંજૂરી વિના ચાલતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સંચાલક સંદિપ બ્રહ્મભટ્ટ અને જિગ્નેશ સથવારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મંજૂરી વિના ચાલતી હતી શાળા
અમદાવાદના પાલડી કાંકજ ગામમાં શારદા શિક્ષણ તિર્થ પ્રાથમિક શાળા મંજૂરી વિના ચાલતી હોવાનું સામે આવ્યું છે. શારદા પ્રાથમિક સ્કૂલમાં સરકારે માન્યતા ન આપી હોવા છતાં સ્કૂલના આચાર્ય તથા વહીવટકર્તા ભેગા થઈને ધોરણ 1થી 5નાં બાળકોને ભણાવતા હતા. અને વાલીઓ પાસે વાર્ષિક 11 હજાર ફી ઉઘરાવી છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વાર્ષીક રૂ.11 હજાર ફી ઉઘરાવી રહ્યા હતા
પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળામાં સરકાર તરફથી ધો. 6થી 8 ખાનગી બિન અનુદાનિત પ્રાથમિક શાળાની મંજૂરી મળી છે અને ધોરણ 9થી 12 સરકારની ગ્રાન્ટેડ હાઈ સ્કૂલ ચાલે છે. સ્કૂલ સંચાલક ધો. 1થી 5ના બાળકોને મંજૂરી વગર ભણાવે છે અને વાર્ષીક રૂ.11 હજાર ફી ઉઘરાવી રહ્યા છે.
વધુ એક ખુલાસો
વધુમાં જાણવા મળ્યું છે કે, શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળાની નજીક 500 મીટરની અંતરે સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. આ પ્રાથમિક શાળામાં 26 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજરી પૂરવામાં આવતી. જ્યારે તેમનું શૈક્ષણિક કાર્ય શારદા સ્કૂલમાં ચાલતું હતું. આમ અહીં વિદ્યાર્થીઓને ભણાવવા અને હાજરી પુરવા બાબતે પણ વિવાદ થયો છે.
સંચાલકની ધરપકડ
અસલાલી પોલીસે સંદીપ બ્રહ્મભટ્ટ નામના ખાનગી શાળાના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલ સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય આરોપી જીગ્નેશ સથવારા હજુ ફરાર છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે ત્યારે વધુ મોટા ખુલાસા થઈ શકે છે.