Shaktisinh Gohil : કચ્છમાં શંકાસ્પદ બીમારીથી લોકોમાં ફફડાટ, શક્તિસિંહ ગોહિલે સરકાર પાસે જરૂરી મેડિકલ તપાસની કરી માંગ

September 9, 2024

Shaktisinh Gohil : કચ્છમાં શંકાસ્પદ બીમારીએ હાહાકાર મચાવ્યો છે. કચ્છના લખપત તાલુકામાં શંકાસ્પદ રોગના કારણે રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. એક પછી એક મોતના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ડોક્ટરોની તપાસ ટીમ લખપત તાલુકામાં પહોંચી હતી. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોના સેમ્પલ ઉપરાંત મોટાભાગના બીમાર ગ્રામજનોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ મામલે શક્તિસિંહ ગોહિલે સરકાર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

શક્તિસિંહ ગોહિલે શું કહ્યું ?

કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. નિષ્ણાત ડોકટરોની ટીમો મોકલવી જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ. લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. આમા બેદરકારી ના ચાલે. ત્યારે @CMOGuj @Bhupendrapbjp જીને વિનંતી કરું છું કે, તાત્કાલીક સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાં મોકલે અને પરિસ્થિતિને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે.

સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા દેસુભા જાડેજાએ પત્ર પાઠવી જણાવ્યું છે કે લખપત તાલુકાના બેખાડા, સાંધ્રો, મોરગર, મેડી, ભારવાંઢ, વાલાવરી, લાખાપર અને તમામ ગામોમાં છેલ્લા 4 દિવસમાં 12 લોકોના શંકાસ્પદ રોગના કારણે મોત થયા છે ઘણા લોકો બીમાર છે. આ સમગ્ર મામલે તેમણે જિલ્લા વહીવટી તંત્રને મામલાની ગંભીરતા ધ્યાને લઈ જરૂરી પગલા ભરવા માંગ કરી છે.

ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સરકાર અને વહીવટીતંત્રને આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. તેમજ લોકોને વહેલી તકે સારવાર મળી રહે અને આ શંકાસ્પદ રોગના કારણે અન્ય કોઈનું મૃત્યુ ન થાય તે માટે સરકાર પાસે ખાસ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કહ્યું કે અમને કેસની માહિતી મળતા જ અમે આરોગ્ય વિભાગની ટીમોને ગામમાં મોકલી. આ ઉપરાંત પ્રાથમિક સારવાર અને ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આસપાસના ગામોના લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તેમજ કેટલાક તબીબોને ત્યાં તાત્કાલિક અસરથી ડેપ્યુટેશન પર મોકલી દેવાયા છે. રાજ્ય સરકારે રાજકોટથી તબીબોની વિશેષ ટીમ પણ મોકલી છે, જે ગામમાં જઈને શંકાસ્પદ રોગનું કારણ શોધી કાઢશે.

આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું ?

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કચ્છના લખપતમાં શંકાસ્પદ બીમારીઓને કારણે 12 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. મૃત્યુનું કારણ જાણવા માટે રાજકોટ પીડીયુ હોસ્પિટલ અને અદાણી સંસ્થામાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે. આ ટીમ મૃત્યુનું કારણ શોધીને બે દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. હાલમાં બીમાર લોકોની સારવાર માટે તબીબોની વિશેષ ટીમ ત્યાં મોકલવામાં આવી છે.

આ પણ વાંચોBharti Ashram Controverasy : અમદાવાદના ભારતી આશ્રમને લઇ સુરતમાં ઉગ્ર વિરોધ, કીર્તિ પટેલ અને રામ ગઢવી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

Read More

Trending Video